ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

100W ચાર્જર લગાવવાથી ફોન 100W પર જ ચાર્જ થાય છે? જાણો સાચું ગણિત

100W Charger Phone Charging

100W Charger Phone Charging : ઓનલાઇન બેન્કિંગ, ઓફિસ વર્ક, મૂવી જોવા હોય કે ગેમિંગ કે ફોટોગ્રાફી કરવી હોય, આજના સમયમાં સ્માર્ટફોન રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આટલા વપરાશ પછી સ્માર્ટફોનની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ (Battery Discharge) થઇ જાય છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોન ઝડપથી ચાર્જ થઇ જાય એટલું જ જરૂરી બની ગયું છે.

માટે બજારમાં 18W, 25W, 33W, 45W, 67W, 80W અને 100W જેવા ફાસ્ટ ચાર્જિંગ વિકલ્પો ઉપલબ્ધ થઇ ગયા છે. હવે તો કેટલાક પ્રીમિયમ સ્માર્ટફોનમાં તો 120W, 150W અને 200Wથી પણ વધુ ચાર્જિંગ જોવા મળે છે.

પરંતુ અહીં સવાલ એ છે કે ચાર્જરની મહત્તમ ક્ષમતા અને ફોનની મહત્તમ ચાર્જિંગ ક્ષમતા એક જ વસ્તુ છે. જો સ્માર્ટફોન 33W ચાર્જિંગ સપોર્ટ કરે છે અને તેમાં 100Wનું ચાર્જર લગાવવામાં આવે તો શું ફોન 100Wની ઝડપે ચાર્જ થશે? શું વધુ Wattનું ચાર્જર ફોનની બેટરીને નુકસાન પહોંચાડી શકે?

આનો સરળ જવાબ છે ના. માત્ર 100Wનું ચાર્જર લગાવવાથી 33W સપોર્ટ કરતો ફોન 100W પર ચાર્જ થતો નથી. વાસ્તવમાં ફોન કેટલા વોટ સ્વીકારશે તે સમજવા માટે ચાર્જર, ફોન, કેબલ અને ચાર્જિંગ પ્રોટોકોલ સમજવું જરૂરી છે.

100W ચાર્જર એટલે ફોન 100W પાવર લેશે એવું નથી

માની લો કે તમારા સ્માર્ટફોનની મહત્તમ ચાર્જિંગ ક્ષમતા 33W છે. હવે તમે તેને 100Wનું સુસંગત ચાર્જર લગાવો છો. અહીં 100W એ ચાર્જરની મહત્તમ પાવર ક્ષમતા છે. તેનો અર્થ એ નથી કે ચાર્જર સાથે જોડાયેલ દરેક ડિવાઇસને 100W પાવર આપવામાં આવશે.

સરળ ભાષામાં સમજીયે તો ચાર્જર પાસે 100W સુધી પાવર આપવાની ક્ષમતા છે, પરંતુ ફોન પોતાની જરૂરિયાત અને પોતાની ડિઝાઇન પ્રમાણે પાવર લે છે. એટલે 33W ફોન 100W ચાર્જર સાથે જોડાય ત્યારે તે પોતાની મર્યાદા કરતાં વધુ પાવર લેતો નથી, જો ચાર્જર યોગ્ય સ્ટાન્ડર્ડ અને પ્રોટોકોલ સાથે સુસંગત હોય. એટલે જ “100W ચાર્જર એટલે 100Wનું ચાર્જિંગ” એવું માનવું ખોટું છે.

100W કે 140W ચાર્જર ઓછા Wattવાળા ફોનમાં લગાવી શકાય?

હા વધુ Wattવાળા ચાર્જર ઓછા Wattવાળા ફોનમાં લગાવી શકાય પરંતુ સૌથી મહત્વની બાબત ચાર્જરની ગુણવત્તા અને સુસંગતતા છે. માનીલો કે તમારી પાસે 67W અથવા 100Wનું USB-C ચાર્જર છે. અને જો ચાર્જર યોગ્ય Power Delivery અથવા ફોનને જરૂરી અન્ય ચાર્જિંગ પ્રોટોકોલને સપોર્ટ કરે છે, તો ફોન પોતાની જરૂરિયાત મુજબ જ પાવર લેશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. માત્ર ચાર્જર પર “100W” કે “120W” લખેલું જોઈને તેને સુરક્ષિત માની લેવું યોગ્ય નથી. એટલે ચાર્જર ખરીદતી વખતે માત્ર Watt ન જુઓ. બ્રાન્ડ, સર્ટિફિકેશન, સપોર્ટેડ પ્રોટોકોલ અને સેફ્ટી ફીચર્સ પણ તપાસો. 

ફાસ્ટ ચાર્જિંગમાં માત્ર Watt જ મહત્વનું નથી

ચાર્જર પર 100W લખેલું જોઈને એવું લાગે કે ફોન ખૂબ જ ઝડપથી ચાર્જ થશે. પરંતુ વાસ્તવિક ચાર્જિંગ સ્પીડ અનેક બાબતો પર આધારિત હોય છે. તેમાં મુખ્યત્વે આ બાબતોનો સમાવેશ થાય છે. 

  • ફોનની મહત્તમ ચાર્જિંગ ક્ષમતા
  • ચાર્જિંગ પ્રોટોકોલ
  • ચાર્જરની ક્ષમતા
  • USB-C કેબલની ક્ષમતા
  • બેટરીનું તાપમાન
  • ફોનનું તાપમાન
  • બેટરીનું સ્વાસ્થ્ય
  • ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ
  • ફોનનું પાવર મેનેજમેન્ટ સિસ્ટમ

એટલે 100W ચાર્જર હોવા છતાં દરેક ફોન સમાન ઝડપે ચાર્જ થાય એવું જરૂરી નથી. ફોન + ચાર્જર + કેબલ + પ્રોટોકોલ, આ ચારેય વચ્ચે યોગ્ય સુસંગતતા હોય ત્યારે જ ફાસ્ટ ચાર્જિંગનો સાચો ફાયદો મળે છે.

કેબલ નબળી હોય તો 100W ચાર્જર પણ કામનું નહીં રહે

ઘણા લોકોનું એવું માનવું છે કે ચાર્જરની ઉપર લખેલા વોટ જેટલા વધારે, ફોન એટલો ઝડપથી ચાર્જ થશે. પરંતુ ફાસ્ટ ચાર્જિંગની વાત આવે ત્યારે લોકો ઘણીવાર કેબલને ભૂલી જાય છે. ખાસ કરીને હાઇ-પાવર ચાર્જિંગમાં કેબલને અવગણવું યોગ્ય નથી. જો ફોન અને ચાર્જર બંને 100W સુધી ચાર્જિંગ ચાર્જિંગ સ્પીડ સપોર્ટ કરે છે.  ઘણી મોબાઈલ કંપનીઓ પણ પોતાના ચાર્જિંગ માર્ગદર્શનમાં જણાવે છે કે કેબલ અને પાવર એડેપ્ટરની પસંદગી ચાર્જિંગ સ્પીડને અસર કરી શકે છે. એટલે ઝડપી ચાર્જિંગ માટે ફોન, ચાર્જર, કેબલ અને યોગ્ય પ્રોટોકોલ – આ ચારેય વચ્ચે સુસંગતતા હોવી જરૂરી છે. 

100W ફોન પણ આખો સમય 100W પર ચાર્જ થતો નથી

ધારો કે કોઈ સ્માર્ટ ફોન 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેનો અર્થ એ નથી કે બેટરી 0%થી 100% સુધી સતત 100W પાવર લેતી રહેશે. સ્માર્ટફોન ચાર્જિંગ દરમિયાન પાવરને સતત એડજસ્ટ કરે છે.  

બેટરી ખૂબ ઓછી હોય ત્યારે ફોન વધુ પાવર સ્વીકારી શકે છે. એટલે કે ઝડપી ચાર્જ થાય છે. અને જેમ જેમ બેટરીનું લેવલ વધે છે, તેમ તેમ ચાર્જિંગ સ્પીડ ધીમે ધીમે ઘટી શકે છે. તેનો હેતુ માત્ર બેટરીને સુરક્ષિત રાખવાનો નથી, પરંતુ મોબાઈલની ગરમીને નિયંત્રિત કરવાનો અને લાંબા ગાળે બેટરીની કામગીરી જાળવવાનો પણ છે.

ઘણી કંપનયો જણાવે છે કે ફોન ગરમ થાય અથવા આસપાસનું તાપમાન વધી જાય ત્યારે ફાસ્ટ ચાર્જિંગની સ્પીડ ઑટોમેટિક ઘટી શકે છે. એટલે કોઈ ફોન “80W ફાસ્ટ ચાર્જિંગ” સપોર્ટ કરે છે એવું લખેલું હોય તો તેનો અર્થ મુખ્યત્વે મહત્તમ અથવા પીક ચાર્જિંગ ક્ષમતા છે, આખા ચાર્જિંગ સેશન દરમિયાન સતત 80W પાવર મળવાની ગેરંટી નથી. એટલે કોઈ ફોન પર “80W Fast Charging” અથવા “100W Fast Charging” લખેલું હોય તો તેને આખા ચાર્જિંગ સમય દરમિયાન સતત 80W કે 100W મળતું રહેશે એવું માનવું યોગ્ય નથી.

USB PD શું છે?

USB PD એટલે એવી ટેક્નોલોજી જે USB-C કનેક્શન મારફતે ચાર્જર અને ડિવાઇસ વચ્ચે પાવરની જરૂરિયાત પ્રમાણે સંચાર(USB Power Delivery) કરવામાં મદદ કરે છે. આથી ચાર્જર 100W કે તેનાથી વધુ ક્ષમતા ધરાવતું હોય તો પણ ડિવાઇસ પોતાની જરૂરિયાત પ્રમાણે પાવર લઈ શકે છે.

USB PD 3.1 સ્ટાન્ડર્ડમાં 240W સુધીની પાવર ડિલિવરી માટેની ક્ષમતા નિર્ધારિત કરવામાં આવી છે. પરંતુ અહીં ફરીથી એ જ વાત મહત્વની છે. કે USB PD 240W સપોર્ટ કરે છે એટલે દરેક સ્માર્ટફોન 240W ચાર્જિંગ સપોર્ટ કરે છે એવું નથી. ચાર્જિંગની વાસ્તવિક મર્યાદા તમારા ફોનની ડિઝાઇન અને કંપની દ્વારા આપવામાં આવેલા સ્પેસિફિકેશન પર આધારિત છે.

આજના સમયમાં ફોનમાં કેટલા Watt સુધીનું ચાર્જિંગ મળે છે?

હવે સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સ્પર્ધા ઘણી આગળ વધી ગઈ છે. સામાન્ય રીતે બજારમાં 18Wથી 45W સુધીનું ચાર્જિંગ જોવા મળે છે. મિડ-રેન્જ અને પ્રીમિયમ ફોનમાં 67W, 80W અને 100W આસપાસનું ચાર્જિંગ પણ જોવા મળે છે.

કેટલાક ખાસ મોડલમાં 120W, 150W અને 200Wથી પણ વધુ ચાર્જિંગ ટેક્નોલોજી જોવા મળી છે. તમારા ફોનની વાસ્તવિક મહત્તમ ચાર્જિંગ ક્ષમતા હંમેશા તેની સત્તાવાર સ્પેસિફિકેશન પરથી જ નક્કી કરવી જોઈએ.

નવો ફાસ્ટ ચાર્જર ખરીદતા પહેલાં આ 5 વસ્તુ જુઓ

નવો ચાર્જર ખરીદતી વખતે માત્ર “100W” કે “120W” જોઈને નિર્ણય ન લો.

  • સૌ પ્રથમ તમારા ફોનની સત્તાવાર ચાર્જિંગ ક્ષમતા તપાસો.
  • તમારો ફોન USB PD, PPS અથવા કોઈ ચોક્કસ કંપનીના ફાસ્ટ ચાર્જિંગ પ્રોટોકોલને સપોર્ટ કરે છે કે નહીં તે જુઓ.
  • હાઇ-વોટેજ ચાર્જિંગ માટે યોગ્ય પાવર ક્ષમતા ધરાવતી કેબલ વાપરો.
  • અજાણી કંપનીનું માત્ર ઊંચા Wattનું ચાર્જર સસ્તું મળે છે એટલે ખરીદી ન કરો.
  • અસામાન્ય ગરમી, વારંવાર ચાર્જિંગ બંધ થવું અથવા ચાર્જર/કેબલ ખૂબ ગરમ થવું જોવા મળે તો ચાર્જિંગ બંધ કરીને કારણ તપાસો.

તો આખરે 100W ચાર્જર લેવું કે નહીં?

જો તમારો સ્માર્ટ ફોન 33W સપોર્ટ કરે છે તો માત્ર 33Wનું જ ચાર્જર લેવું જરૂરી નથી. પરંતુ ભવિષ્યમાં બીજા ડિવાઇસ માટે ઉપયોગ કરવો હોય તો સારી ગુણવત્તાનું 67W અથવા 100W ચાર્જર પણ ઉપયોગી થઇ શકે છે. પરંતુ તે તમારા ફોનના જરૂરી ચાર્જિંગ પ્રોટોકોલ સાથે સુસંગત હોવું જોઈએ.

બીજી બાજુ, જો તમારો ફોન 100W સપોર્ટ કરતો જ નથી તો 100W ચાર્જર ખરીદવાથી તે ફોન 100Wની ઝડપે ચાર્જ થવા લાગશે તેવું માનવું યોગ્ય નથી. 

Join WhatsApp

Join Now

Leave a Comment