Hyundai મોટર ગૃપના એક્ઝિક્યુટિવ ચેરમેન ઈયુસુન ચુંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં 13 ઓક્ટોબરે જ મુલાકાત કરી છે. મુલાકાત બાદ Hyundai ગૃપે ભારતમાં 1.47 લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. Hyundai ઓટોમોબાઈલ્સ માટે ભારત એક મોટુ હબ છે. ભારતમાં માત્ર કારનું વેચાણ જ નહી, પરંતુ હવે મેન્યુફેક્ચરીંગ અને એક્સપોર્ટ પણ કરવામાં આવશે.
ગઈ કાલે એક્ઝિક્યુટિવ ચેરમેને PM મોદી સાથે કરી મુલાકાત
Hyundai મોટર ગૃપ દ્વારા ભારતમાં મોટો દાવ રમાનાર છે. આગામી 6 વર્ષમાં કંપની ભારતમાં 1.47 લાખ કરોડનું રોકાણ કરવાની તૈયારીમાં છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને Hyundai ના એક્ઝિક્યુટિવ ચેરમેન ઈયુસુન ચુંગની મુલાકાત થઈ હતી. 13 ઓક્ટોબરની આ મુલાકાત બાદ રોકાણ અંગે જાહેરાત કરવામાં આવી છે. કંપનીના આ પગલાથી ભારતમાં રોજગારીની નવી તકો ઉભી થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. સાથે જ ભારત ગ્લોબલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરીંગ હબ પણ બની શકે છે. આટલુ જંગી રોકાણ મેન્યુફેક્ચરીંગ ક્ષમતા, નવી ટેક્નોલોજી, અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને સપ્લાય નેટવર્ક પર ખર્ચ કરવામાં આવશે.
રોકાણનો મોટો હિસ્સો મેન્યુફેકચરીંગ વધારવા માટે કરશે
Hyundai મોટર ગૃપના જણાવ્યા અનુસાર, ભારત કંપની માટે મહત્વનું માર્કેટ છે. કંપની ભારતમાં રોકાણનો યોગ્ય ઉપયોગ કરવા માટે અલગ પ્રકારનું યુનિટ બનાવવાની પણ યોજના બનાવી રહી છે. આ યુનિટ રોકાણ સંબંધિત નિર્ણયો, અન્ય કંપની સાથે ભાગીદારી અને લોકલ સપ્લાય નેટવર્ક જેવા મુદ્દાઓ પર કામ કરશે. કંપનીએ વધુમાં જણાવ્યુ છે કે આ રોકાણનો મોટો હિસ્સો Hyundai અને Kia કારના મેન્યુફેક્ચરીંગ ક્ષમતા વધારવા માટે ખર્ચ કરાશે.
વિદેશમાં પણ એક્સપોર્ટ કરશે કાર
કંપની જંગી રોકાણના નાણા મુખ્યત્વે મેન્યુફેક્ચરીંગ વધારવામાં વાપરશે, જેનાથી આવનારા વર્ષોમાં કારની વધતી માંગને પૂરી કરી શકાય. ભારતને ગ્લોબલ એક્સપોર્ટ ક્ષેત્ર પણ બનાવી શકાય, જેથી ભારતમાં મેન્યુફેક્ચર થતી કારને વિદેશોમાં પણ એક્સપોર્ટ કરી શકાય અને એ રીતે પણ ભારતને વૈશ્વિક સ્તરે ઓટોમોબાઈલ ક્ષેત્રે સફળતા મળી શકે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કંપની 6200 કરોડનો ખર્ચ કરશે. કંપની ઈન્ડિયન રોડની સ્થિતિ પ્રમાણે કારનું ટેસ્ટિંગ કરી શકે અને તે માટેની ટેક્નોલોજીનો વિકાસ કરી શકે.
રોજગારીની નવી તકો ઉભી થશે
Hyundai જૂની સ્ક્રેપ કાર, રિસાઈકલિંગ, મોબિલિટી સર્વિસ ક્ષેત્રમાં પણ ઝંપલાવશે. કંપની બિઝનેસનો વિસ્તાર કરશે અને ઓટોમોબાઈલ બજારની જરૂરિયાત પ્રમાણે પાર્ટ્સ બનાવી શકે. હાલ ભારતમાં આ કંપની 24 હજારથી વધુ કર્મચારીઓને રોજગાર આપે છે. ચેન્નાઈ, પુણે અને અનંતપુરમાં Hyundai ના મેન્યુફેકચરીંગ ક્ષેત્રો છે.













