US action on Iran oil trade: અમેરિકા દર બીજા દિવસે નવા પ્રતિબંધો લગાવી દે છે. ઈરાનને મળતુ ફંડિંગ રોકવા માટે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે હવે નવુ ગતકડ઼ુ કર્યુ છે. મુંબઈની બે કંપનીઓ અને પાંચ ભારતીય નાગરિકો પર પ્રતિબંધો લગાવ્યા છે. મુંબઈની આ બંને કંપનીઓ પર ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનો અંગેનો વેપાર કરવાનો ટ્રમ્પે આરોપ લગાવ્યો છે. ઈરાન સાથે ગેરકાયદે વેપાર કરવાનો ટ્રમ્પે આરોપ લગાવ્યો છે.
ઈરાન સાથે ગેરકાયદે પેટ્રોલિયમ પેદાશનો વેપાર કરવા બદલ અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈની બે કંપનીઓ પર કડક પ્રતિબંધો ઝીંકી દીધા છે. અમેરિકન વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે આ ભારતીય કંપનીઓ પ્રતિબંધ હોવા છતાં પણ ઈરાનથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનોની આયાતમાં મદદ કરી ઈરાની તંત્ર સુધી લાખો ડોલર પહોંચાડ્યા હતા. અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાનના ઓઈલ નેટવર્ક સાથે જોડાયેલા 17 વિશાળ જહાજો પર પણ પ્રતિબંધ લગાવી દીધા છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના રિપોર્ટ મુજબ મુંબઈ સ્થિત ‘SSPL સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ’ અને ‘સમુદ્ર મરીન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ’ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ કંપની સાથે જોડાયેલા ભારતીય નાગરિક ધ્વનિ વોરા અને નિસર્ગ વોરા પર પ્રતિબંધ મુકાયો છે. તો સમુદ્ર મરીન સર્વિસીસ સાથે જોડાયેલા કેતન કોચિકર, ભૂપેન્દ્રસિંહ સાહૂ અને હરિશ્યામ હરિહરન ચુંડાકટ્ટિલ પર યુએસ તંત્રે કડક કાર્યવાહી કરી છે. અમેરિકાની સરકારે આ તમામ લોકો અને કંપનીઓના નાણાકીય વ્યવહારો પર તુરંત અસરથી રોક લગાવી દીધી છે. જોકે, સમુદ્ર મરીન સર્વિસીસને અગાઉના ચાલુ વ્યવહારો આટોપી લેવા માટે 23 ઓક્ટોબર સુધીનો મર્યાદિત સમય આપવામાં આવ્યો છે.
અમેરિકાનો દાવો છે કે ઈરાન પ્રતિબંધિત ઓઇલ વેચીને મળતા કરોડો ડૉલરનો ઉપયોગ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં પોતાના મિલિટરી ઓપરેશન્સ અને આતંકી સંગઠનોને ફંડિંગ આપવા માટે કરે છે. આથી ઈરાનની ઓઇલથી થતી કમાણી પર સંપૂર્ણ બ્રેક મારી તેની આર્થિક અને સૈન્ય તાકાત તોડી પાડવા અમેરિકાએ આ મોરચો ખોલ્યો છે.











