Poonch Sector Terrorist Infiltration: જમ્મુ કશ્મીરના પૂંછ સેક્ટરમાં LoC નજીક ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના બાદ સરહદીય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઘુસણખોરીના પ્રયાસ દરમિયાન માઈન બ્લાસ્ટ થતાં ચારેય આતંકીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે.
જમ્મુના પૂંછ સેક્ટરમાં કૃષ્ણા ઘાટીમાં ઝીરો લાઈન નજીક સોમવારે સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સહિત ચારના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. ઘુસણખોરીના પ્રયાસમાં વિસ્ફોટ થતાં સરહદીય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને આ વિસ્તારમાં જવાનો દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યુ છે. લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર મહોમ્મદ ફૈઝાન સહિત વકાસ, ઈશ્તિયાક અને આસિમ નામના આતંકીઓનું મોત થયુ છે.
ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન દરમિયાન મેંધર સેક્ટરના બસોની વિસ્તારમાં અન્ય બે લેન્ડમાઈન્સ પણ મળી આવી હતી, જેને ઓછી તીવ્રતાના વિસ્ફોટ દ્વારા નષ્ટ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કૃષ્ણા ઘાટી નજીક વિસ્ફોટમાં ઈમ્પ્રોવાઈઝ એક્સપ્લોઝિવ ડિવાઈસ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિકોએ કેટલાક લોકોની હિલચાલ હોવાનું પણ સેનાને જણાવ્યુ હતુ., જે બાદ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.










