એક ગ્રામ યુરેનિયમ પણ દેશ બહાર નહી જાય: ઈરાન

Iran nuclear policy 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતને લઈને બંને દેશો પોતપોતાની શરતો રાખી રહ્યા છે. હવે ઈરાને કહ્યુ છે કે સંરક્ષિત યુરેનિયમના જથ્થામાંથી એક ગ્રામ યુરેનિયમ પણ ઈરાનની બહાર નહી જાય. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહસિન રઝાઈએ કહ્યુ હતુ કે જ્યાં સુધી અમેરિકા વિશ્વાસ જીતવા માટે નક્કર પગલા નહી ભરે અને ઈરાનની તમામ શરતો નહી માને ત્યાં સુધી કોઈ વાટાઘાટો નહી થાય.

ઈરાને વાટાઘાટો માટે રાખી હતી સાત શરત

ઈરાને અમેરિકા સાથે વાટાઘાટો માટે પોતાની શરતો અને મુદ્દાઓ સ્પષ્ટ કરી દીધા છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે કહ્યું કે જ્યાં સુધી અમેરિકા તેની સાત શરતો પૂરી નહીં કરે, ત્યાં સુધી તે ઈરાનનો વિશ્વાસ જીતી શકશે નહીં. આ શરતો ગયા મહિને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે મુકવામાં આવી હતી. પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હાલ ઈરાન પ્રવાસે છે, એવા સમયે જ તહેરાન દ્વારા વાતચીત માટે સ્પષ્ટ સંદેશો આપી દેવાયો છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર અસીમ મુનીર અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન વચ્ચે તહેરાનમાં યુદ્ધ અને સમગ્ર ઘટનાક્રમ અંગે ચર્ચા થઈ હતી. ઈરાની સંસદના સ્પીકર ગાલીબાફ સાથે પણ મુલાકાત કરી હોવાની ચર્ચા છે.  

મોજતબા ખામેનેઈએ પણ યુરેનિયમ દેશ બહાર ન મોકલવા ભલામણ કરી

ઈરાનની મુખ્ય માંગણીઓમાં તેના બંદરો પર લગાવવામાં આવેલી અમેરિકી નાકાબંધી સમાપ્ત કરવી, તેલની નિકાસ પરના પ્રતિબંધો હટાવવા અને આ ક્ષેત્રના તમામ મોરચાઓ પર લડાઈ રોકવાનો સમાવેશ થાય છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પણ કહી ચૂક્યા છે કે હથિયારો બનાવવા માટે જરૂરી સ્તરની નજીક પહોંચી ચૂકેલું સમૃદ્ધ યુરેનિયમ દેશની બહાર મોકલવું જોઈએ નહીં.

ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈ બંને દેશો વચ્ચે વિવાદ

ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અમેરિકા સાથેના કરારની દિશામાં મોટો અવરોધ બની રહ્યો છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ઈરાને યુરેનિયમ સંવર્ધન કરવાની પોતાની ક્ષમતામાં નક્કર ઘટાડો કરવો પડશે. તેમના જણાવ્યા મુજબ, અમેરિકાની માંગણીઓ સ્વીકારવા અને બંને દેશો વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા માટે આવું કરવું જરૂરી છે.

ઈરાન પર પશ્ચિમી દેશો દ્વારા પરમાણુ હથિયાર બનાવવાનો આરોપ

પશ્ચિમી દેશો લાંબા સમયથી ઈરાન પર પરમાણુ હથિયાર બનાવવાનો આરોપ લગાવતા આવ્યા છે. ઈરાને અત્યાર સુધી 60 ટકા યુરેનિયમ સંવર્ધિત કર્યુ છે, તે ચિંતાનું મોટુ કારણ માનવામાં આવી રહ્યુ છે. સામાન્ય રીતે નાગરિક પરમાણુ ઊર્જા માટે આટલા ઊંચા સ્તરની જરૂર હોતી નથી, જ્યારે પરમાણુ હથિયારોમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમનું સંવર્ધન સ્તર આશરે 90% હોય છે. જોકે, ઈરાન આ આરોપોને નકારતું રહ્યું છે. તેનું કહેવું છે કે તે પરમાણુ હથિયારો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું નથી.

પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થિનો પ્રયાસ કરાવી રહ્યુ છે

અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થિ માટે પાકિસ્તાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે. આ પહેલા પણ પાકિસ્તાનના પ્રયાસોની મદદથી ટ્રમ્પે થોડા સમય માટે સીઝફાયરનું એલાન કર્યુ હતુ, પરંતુ તેના થોડા સમય બાદ ફરીથી હુમલા શરૂ કરવામાં આવ્યા હતા.

28 ફેબ્રુઆરીથી ચાલી રહ્યુ છે યુદ્ધ

અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ અને તે ખાડી દેશોમાં હુમલા કર્યા, જ્યાં અમેરિકન સૈન્ય મથકો આવેલા છે. અમેરિકાનું કહેવું છે કે તેનો હેતુ ઈરાનની પરમાણુ ક્ષમતાને નબળી પાડવાનો છે. બીજી તરફ, ઈરાન સતત કહેતું આવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે અને તેને પરમાણુ ટેક્નોલોજીના ઉપયોગનો અધિકાર છે.

Join WhatsApp

Join Now

Leave a Comment