નેપાળમાં 2 હેલિકોપ્ટર વચ્ચે ભયાનક અકસ્માત, એકનું મોત, વીડિયો વાયરલ

નેપાળના સોલુખુંબુ જિલ્લામાં મોટી ઘટના બની છે. કાઠમાંડુથી લગભગ 250 કિલોમીટર દૂર ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ કરતી વખતે બે હેલિકોપ્ટર એકબીજા સાથે ટકરાયા હતા. આ અકસ્માતમાં એક 47 વર્ષીય ભારતીય નાગરિકનું મોત થયુ છે, જ્યારે ભારતીય મૂળના 53 વર્ષીય ન્યૂઝીલેન્ડના નાગરિક ગંભીર ઘાયલ થયા છે.

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળના જણાવ્યા અનુસાર, ફિશટેલ એર અને ડાયનાસ્ટી એર દ્વારા સંચાલિત બે હેલિકોપ્ટર જ્યારે લેન્ડિંગ માટે હેલિપેડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાંખો (રોટર બ્લેડ) એકબીજા સાથે ભટકાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર એકબીજાની ખૂબ નજીક આવી જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સ્પષ્ટ દેખાય છે.

સોલુખુંબુ જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકની ઓળખ 47 વર્ષીય વસંત કુમાર બાલારા માડુ તરીકે થઈ છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી માટે હેલિકોપ્ટર દ્વારા લુકલા લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 53 વર્ષીય શૈલેષ કિશન પટેલ, જેઓ ન્યુઝીલેન્ડના નાગરિક છે તેમને તાત્કાલિક સારવાર અર્થે એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

નેપાળના પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓ, પર્વતારોહકો, જરૂરી વસ્તુઓ પહોંચાડવા અને ઈમરજન્સી રેસ્ક્યૂ ઓપરેશન માટે નાના હેલિકોપ્ટરનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં એવિએશન ઓથોરિટી અને પોલીસ વિભાગ દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment