મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હાથિણી માધુરી સારવાર બાદ પરત ફરતા ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. એક વર્ષ જેટલા સમય સુધી સારવાર કરાવ્યા બાદ માધુરી ઘરે પરત ફરી છે. વનતારામાં હાથિણી માધુરીની સારવાર કરવામાં આવી હતી.
ગંભીર બિમારીથી પીડાતી હતી હાથિણી માધુરી
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં શિરોલ તાલુકામાં નંદિની મઠમાં એક વર્ષના લાંબા ગાળા બાદ હાથિણી માધુરી સારવાર કરાવીને પરત આવી છે. સમગ્ર પંથકમાં દિવાળી જેવો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. હાથિણીના સ્વાગત માટે રસ્તા પર હજારો લોકો એકત્રિત થયા હતા. માધુરી પર ફૂલોની વર્ષા કરીને ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હાથિણી માધુરી એવા સમયે ઘરે પરત આવી છે, જ્યારે મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર ગણેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
13 માસથી જામનગરના વનતારા એનિમલ હેલ્થકેર સેન્ટરમાં હતી હાથિણી
હાથિણી માધુરીને સારવાર માટે ગુજરાતના જામનગર સ્થિત વનતારા એનિમલ હેલ્થકેર સેન્ટરમાં રાખવામાં આવી હતી. વનતારાની ખાસ ટીમની આગેવાનીમાં હાથિણીને કોલ્હાપુર મઠમાં પરત લાવવામાં આવી છે. ગંભીર પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓને કારણે હાથિણીને વનતારા ખાતે લાવવામાં આવી હતી. સળંગ એક વર્ષ સુધી સારવાર અને દેખરેખ બાદ હાથિણી સ્વસ્થ થતા પરત આવી છે.
હાથિણીને વનતારા મોકલતા સમયે હતા આંખમાં આંસુ
13 માસ પહેલા હાથિણી માધુરીને જ્યારે કોલ્હાપુરથી વનતારા લઈ જવાઈ રહી હતી, ત્યારે સમગ્ર પંથકમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. ગામડાઓના ગામડાઓએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ઘર છોડીને જવાની ફરજ પડતા હાથિણી માધુરી પણ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી પણ આંસુ વહ્યા હતા. હાથિણી કેટલાક દિવસો સુધી તો ખોરાક પણ લેતી નહોતી. ઘરે પરત ફરતાં જ હાથિણીએ ઉત્સાહભેર કેળા અને શેરડી ખાધા હતા. અને માધુરીના આગમનને લોકોએ આનંદપૂર્વક વધાવી લીધુ હતુ.
વિશેષ વાહન દ્વારા હાથિણી પહોંચી મઠ
વનતારાની ડૉક્ટર્સની ટીમ અને વિશેષ વાહન દ્વારા હાથિણી માધુરી વનતારાથી પોતાના વતન નંદિની મઠે પહોંચી હતી. યાત્રા દરમિયાન સાથે પશુ ચિકિત્સકોની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે હાથિણીને પરત મોકલવા માટે કેટલીક શરતો પણ રાખી છે.
હાથિણી માધુરીની ઘરવાપસી પર સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ રાખી છે. હાથિણીને જૂલુસ કે રેલીમાં સામેલ નહી કરી શકાય. માધુરી માટે 24 કલાક દેખરેખની વ્યવસ્થા પણ રહેવી જોઈએ. 15 દિવસે વનતારાની ટીમે ચેકઅપ કરવાનો રહેશે.
વનતારાની ટીમ હાથિણીના સ્વાસ્થ્ય અંગે રહેશે સુનિશ્ચિત
હાથિણી પોતાના વતન તો આવી ગઈ છે, પરંતુ વનતારાની ટીમ દ્વારા માધુરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. કેટલાક સ્વાસ્થ્ય સંબંધિત કારણોને લઈને વનતારાની ટીમ સતત હાથિણી પાસે રહેશે ખડેપગે. દર 15 દિવસે ચિકિત્સકોની ટીમ કોલ્હાપુર જશે અને હાથિણી માધુરીના સ્વાસ્થ્ય અંગે ચેકઅપ કરશે. અને તેનો યોગ્ય રિપોર્ટ પણ સોંપવામાં આવશે.
હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો હાથિણી માધુરીને વનતારા ખસેડવાનો મામલો
30 વર્ષથી વધુ સમય સુધી કોલ્હાપુરમાં રહ્યા બાદ માધુરીને લઈ જતા, કોલ્હાપુરમાં લોકોના વિરોધ પ્રદર્શનો બાદ સમગ્ર મુદ્દો બોમ્બે હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. બંને કોર્ટે હાથિણીની સારવાર માટે વનતારા મોકલવાનો નિર્દેશ યોગ્ય ઠેરવ્યો હતો. જ્યારે વનતારાએ નિવેદન જાહેર કર્યુ હતુ કે હાથિણી માધુરીની કસ્ટડી વનતારા દ્વારા નથી માંગવામાં આવી, માત્ર તેની સારવાર કરવા માટે વનતારામાં રાખવામાં આવી છે. વનતારા કોલ્હાપુરવાસીઓનો હાથિણી પ્રત્યેનો પ્રેમ સમજી શકે છે.













