આ ઘટના કોઈ જાદુ ટોના નથી, પરંતુ મહિલાએ જાણી-બુઝીને છૂપાવેલી હકીકત છે. બિહારના રોહતાસ જિલ્લામાંથી ચકચારી ઘટના સામે આવી છે, જે મહિલાની હત્યાના કેસમાં પતિ અને સસરા સહિત 8 ને જેલવાસ ભોગવવો પડ્યો, તે જ મહિલા ઝારખંડમાં જીવિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના પોલીસ તપાસ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
પતિ અને સાસરી પક્ષના સભ્યો પર હત્યાનો આરોપ
શકુંતલા ઉર્ફે કાંતિ દેવી નામક મહિલાના પતિ અરૂણ મહેતા અને સાસરી પક્ષના સભ્યો પર હત્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘરના જ 8 સભ્યો પર હત્યાનો સંગીન આરોપ લાગ્યો હતો, જેમાં પોલીસ તપાસ બાદ કેટલાકને તો જેલવાસ પણ ભોગવવાનો વારો આવ્યો હતો. વર્ષ 2014માં મહિલા અચાનક ગુમ થયા બાદ નજીકની નહેરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને પરિવારના સભ્યોએ ઓળખ પણ કરી હતી.
ઝારખંડના ગઢવા ગામે નામ બદલીને રહેતી હતી મહિલા
ઘણાં વર્ષો બાદ જ્યારે પોલીસને મહિલા જીવિત હોવાની જાણકારી મળી ત્યારે પોલીસે ઘટના અંગે જાત-તપાસ કરતા પોલીસ પણ ખુદ હેરાન રહી ગઈ હતી. જે મહિલાના મૃતદેહની પરિવારે જ પુષ્ટિ કરી હતી, તે જ મહિલા નામ બદલીને ઝારખંડમાં વસવાટ કરતી હતી.
મહિલા જીવિત મળતા 12 વર્ષ પહેલા જેનો મૃતદેહ મળ્યો હતો તે અંગે તપાસ
મહિલાના 12 વર્ષ બાદ જીવિત મળવા પર પોલીસ પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે. તેમ જ 12 વર્ષ પહેલા મૃતદેહ કોનો મળ્યો હતો તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે. મૃતદેહની તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.












