સુપ્રીમ કોર્ટે ટૂંક સમયમાં જન સૂચન સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. કોર્ટના મોટા ચુકાદા અને આદેશોનું સામાન્ય માણસને સમજાય તેવી સરળ ભાષામાં ઓડિયો અને વીડિયોના માધ્યમ દ્વારા જાહેર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દી ભાષા માટે મોટી પહેલ
હિન્દી દિવસ પર સુપ્રીમ કોર્ટે હિન્દી ભાષાના મહત્વને લઈ અને લોકો સુધી રાષ્ટ્રભાષા પ્રત્યે જાગૃતતા ફેલાય તે હેતુથી સરળ ભાષામાં 15-20 મિનિટના ઓડિયો-વીડિયો બુલેટિન જાહેર કરવાની મોટી જાહેરાત કરી છે. આ માટેની લીંક અંગેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કાયદાકીય જાણકારીઓને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે હિન્દી જન સૂચન સેવા શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે. લાંબા કાયદાકીય આદેશો અને કાયદાની અઘરી ભાષા ક્યારેક લોકોની સમજમાં આવતી નથી હોતી, જેના કારણથી સુપ્રીમ કોર્ટે આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પહેલ
ન્યાયાલયના નિર્ણયોમાં સ્પષ્ટ અઘરા શબ્દો અને લાંબા નિર્ણયો હોય છે, જે સામાન્ય લોકોને સમજવામાં ક્યારેક ગફલત થઈ જાય છે તો ક્યારેક અર્થનો અનર્થ થઈ જાય છે. બંધારણના અનુચ્છેદ 348 હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની કાર્યવાહી અંગ્રેજી ભાષામાં કરવામાં આવતી હતી. કોર્ટના સત્તાવાર નિર્ણયો પણ અંગ્રેજી ભાષામાં આવતા હતા. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પહેલ બાદ હિન્દી જન સૂચન સેવા શરૂ થવા જઈ રહી છે. નજીકના ભવિષ્યમાં ભારતની અન્ય ભાષાઓમાં પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
ભારતની ભાષાઓ પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટે Supreme Court Vidhik Anuvaad Software નામનું AI આધારિત સોફ્ટવેર વિકસાવ્યુ છે. જેની મદદથી સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હિન્દી સહિત અન્ય ભાષાઓમાં અનુવાદ થઈ શકે છે. અત્યાર સુધી 30 હજાર ચુકાદાઓનો હિન્દીમાં અનુવાદ થઈ ગયો છે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ન હોય તથા દિવ્યાંગજનો માટે ન્યાયિક માહિતી સરળ ભાષામાં ઉપલબ્ધ થઈ શકશે.













