આજે કેરળના કોચ્ચિમાં નેદુમ્બસ્સેરી વિસ્તારમાં મિની કૂપર કારે સ્કુટર પર સવાર ત્રણને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેમના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત બાદ સ્થાનિકોએ આરોપી ડ્રાઈવરને ઝડપી લીધો હતો. આરોપી ડ્રાઈવર 19 વર્ષનો સુહૈલ સજીવન છે અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, આરોપી ડ્રાઈવરને પિતાની અમીરી અને પહોંચનો એટલો નશો હતો કે તે જણાવી રહ્યો હતો કે તેના પપ્પા બધુ સંભાળી લેશે.
પોલીસે ઘટનાસ્થળે પહોચી આરોપીને પોલીસ કસ્ટડીમાં લીધો હતો, આરોપી ડ્રાઈવરે નશો કર્યો હતો કે નહી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે મિની કૂપર કાર પણ જપ્ત કરી લીધી છે. મૃતકોની ઓળખ 21 વર્ષીય ઇયાસ, દેવિકા અને ગોપિકા તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી જઈને કાર ચાલક સુહેલ સજીવને ઘરે લીધો હતો અને તેને પોલીસ પહોંચે ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો. સુહેલ પસ્તાવો કરવાની જગ્યાએ એવા ઉદ્ધત શબ્દોમાં કહી રહ્યો હતો કે મારા પપ્પા બધુ સંભાળી લેશે. સુહેલના આ નિવેદને સ્થાનિકોના રોષમાં વધારો કર્યો હતો.
આ અકસ્માત નેદુમ્બસ્સેરી ખાતે મોડી રાતે 2 વાગ્યે બન્યો હતો. ત્રણે મિત્રો નજીકની દુકાન પર ચા પીધા બાદ સ્કુટર પર ઘરે જવા નીકળ્યા હતા. આ ત્રણેય મિત્રો ત્રિક્કાકરા ખાતે નોકરી કરતા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
એર્નાકુલમ રૂરલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) કે. એસ. સુદર્શને જણાવ્યું કે, ડ્રાઇવરે દારૂ અથવા અન્ય કોઈ નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું કે નહીં તેની સચોટ પુષ્ટિ માટે લોહીના નમૂના લેવાયા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કારની અંદરથી કોઈ શંકાસ્પદ કે નશીલા પદાર્થો મળ્યા છે કે નહીં તે તપાસવા માટે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ચાલક નશાની હાલતમાં હોવાના મજબૂત સંકેત મળ્યા છે. આ મિની કૂપર કાર સુહેલના પિતાના નામે નોંધાયેલી છે અને સુહેલ પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે.
સોશિયલ મીડિયા પર અકસ્માતના CCTV ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાં દેખાઈ રહ્યુ છે કે રસ્તાની ડાબી તરફ જઈ રહેલ સ્કુટરને પૂરપાટ ઝડપે આવી રહેલ મિની કૂપરે એટલી જોરદાર ટક્કર મારી હતી કે પાછળ બેસેલી યુવતી હવામાં ફંગોળાઈ હતી અને સ્કુટરના ફુરચા ઉડી ગયા હતા, મિની કૂપરને આગળના ભાગે નુકસાન થયુ હતુ.











