કેન્દ્ર સરકારે દિલ્હીના જંતર-મંતરને નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દીધુ છે. હવેથી દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનો નહી કરી શકાય. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સમિતીની રચના કરવામાં આવી હતી, તેની ભલામણના આધારે દિલ્હીના રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડને પ્રદર્શન સ્થળ બનાવવામાં આવ્યા છે.
CJP દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પર રોકની માંગને લઈ જંતર-મંતર પર દેખાવો અને પ્રદર્શન માટે મંજૂરી માંગવામાં આવી હતી, અને પોલીસને આ મુદ્દે નિર્ણય લેવા અલ્ટિમેટમ અપાયુ હતુ. બાદમાં ગૃહમંત્રાલયના નિર્દેશ બાદ હવે પ્રદર્શન માટે સ્થળમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.
આ પહેલાં CJPએ 20 જૂનથી 25 જુલાઈ સુધી NEET પેપર લીકના મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે પ્રદર્શન કર્યું હતું. 36 દિવસ સુધી ચાલેલા આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તા સોનમ વાંગચુક પણ ભૂખ હડતાળ પર બેઠા હતા. 25 જુલાઈએ પ્રધાનના રાજીનામા બાદ પ્રદર્શન સમાપ્ત થઈ ગયું હતું.
ગૃહ મંત્રાલય દ્વારા આ પગલાથી લોકોને ટ્રાફિકમાંથી પણ રાહત મળી શકે છે. કારણ કે દિલ્હીના મધ્ય વિસ્તારમાં જ પ્રદર્શનો કરવાથી આસપાસના વિસ્તારો બંધ કરવાની ફરજ પડે છે. આસપાસના વિસ્તારમાં હોસ્પિટલ અને સ્કુલોમાં પ્રદર્શનોના કારણે અસર થાય છે. તદુપરાંત સંસદથી માત્ર 1.5 કિલોમીટર જ દૂર છે જંતર-મંતર. જૂન-જૂલાઈમાં પ્રદર્શનકારીઓ સંસદની નજીક પહોંચી ગયા હતા, તેમને દૂર કરવા માટે જ આ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વળી, સુપ્રીમ કોર્ટે પણ જંતર-મંતરના વિકલ્પ તરીકે નવી જગ્યા શોધવાનું સૂચન કર્યુ હતુ.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન 1993થી શરૂ થયાં હતાં. તે પહેલાં મોટા પ્રદર્શનો સંસદ નજીક બોટ ક્લબ ખાતે થતાં હતાં. બાદમાં ત્યાં પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, તેથી જંતર-મંતર પર ધરણાં યોજાવા લાગ્યા. 1988માં બોટ ક્લબ ખાતે મોટું ખેડૂત આંદોલન થયું હતું. ખેડૂત નેતા મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા હતા. ત્યાર બાદ બોટ ક્લબ ખાતે ભીડ એકત્રિત કરવા અંગે સખ્તાઈ વધારવામાં આવી. જંતર-મંતર સંસદ નજીક હતું, તેથી અહીં પ્રદર્શન કરીને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી સરળ હતી. ધીમે-ધીમે આ પ્રદર્શનનું મોટું સ્થળ બની ગયું.












