જો હવે તમે jio-bp ના પંપ પર પેટ્રોલ અથવા ડિઝલ પુરાવી રહ્યા છો તો તમારે વધારે પૈસા ચૂકવવા પડશે, કારણકે jio-bp એ પેટ્રોલમાં 5 અને ડિઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. નાયરા બાદ વધુ એક ખાનગી ઈંધણ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત Jio-bp એ પેટ્રોલની કિંમતમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં ₹3 પ્રતિ લિટર નો વધારો કર્યો છે. આ નવા દરો રવિવાર, 11 ઓક્ટોબરથી સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગયા છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારો થયો છે. ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવ ઊંચા રહેવાને કારણે માર્કેટિંગ માર્જિન પર દબાણ વધ્યું છે, જેના કારણે ખાનગી કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 3 ઓક્ટોબરે અન્ય ખાનગી ઓઇલ કંપની નાયરા એનર્જી (Nayara Energy) એ પણ પેટ્રોલ-ડીઝલમાં આટલો જ ભાવવધારો કર્યો હતો.
ખાનગી રિટેલર્સ ભાવ વધારી રહ્યા છે, તો સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારી કંપનીઓ દ્વારા ભાવ સ્થિર રાખવામાં આવતા અન્ય મેટ્રો શહેરોની સરખામણીમાં ગ્રાહકોને થોડી રાહત મળી છે, પરંતુ ખાનગી પંપો પર મોંઘવારીનો માર યથાવત છે.











