પૂર્વ આફ્રિકન દેશ જિબૂતી પાસે દરિયામાં ભયાનક અકસ્માત થયો હતો. 300થી વધુ માઈગ્રન્ટ્સને લઈ જઈ રહેલી બોટ પલટી જતા 109ના મોત થયા છે અને 116 લોકો હજુ પણ લાપતા છે.

સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ આપી હતી માહિતી. જિબૂતીના ઓબોક શહેરની ઉત્તરે આવેલા ગુહેરે વિસ્તાર નજીક બોટ અકસ્માતનો ભોગ બનીને દરિયામાં ડૂબી ગઈ હતી. આ હોનારતમાં 15 બાળકો સહિત 109ના મોત થયા છે. બોટમાં 150થી વધુ લોકો સવાર હતા. અકસ્માતમાં 80 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તમામ જીવિત બચેલા ઈથોપિયાના નાગરિકો છે. અકસ્માત 8 અને 9 ઑક્ટોબરની મધરાત દરમિયાન થયો હતો.
દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ જણાવ્યુ હતુ કે બોટ જિબૂતીથી યમન જઈ રહી હતી અને તે દરમિયાન દરિયામાં પલટી મારી હતી. IOMની ટીમ સાથે સ્થાનિક સત્તાધીશો અને રાહત ટીમો દ્વારા દરિયામાં લાપતા લોકોની શોધખોળ માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ માઈગ્રન્ટ્સ ગલ્ફ દેશો સુધી પહોંચવા માટે નીકળ્યા હતા.
યમનમાં હાલ સાઉદી સમર્થિત સરકારી દળો અને ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વચ્ચેની લડાઈ ગંભીર સ્તરે પહોંચી છે અને યમનના નાગરિકો જ દેશ છોડીને પલાયન કરી રહ્યા છે. તેમ છતાં પણ અન્ય દેશના લોકો રોજગારની આશાએ આ ભયાનક રસ્તે જઈ રહ્યા છે.











