મિડલ ઈસ્ટમાં છેલ્લા 8 માસથી અરાજકતા જેવો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને દરિયામાં કમર્શિયલ માલવાહક જહાજો પર હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ઓમાનમાં દરિયાકાંઠે ભારતીય ઓઈલ ટેન્કર પર ડ્રોન અટેક કરવામાં આવ્યો છે. આ ગંભીર ઘટનામાં ભારતીય ક્રુ મેમ્બર્સને લઈને મોટી ચિંતા વ્યક્ત થઈ રહી છે. MT Petro Dolphin નામના આ ટેન્કરમાં 11 ભારતીય ક્રુ મેમ્બર્સ સવાર હતા. હુમલા બાદ સ્થાનિક કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે 11 ઓક્ટોબરે સોહર એન્કોરેજ નજીક ઓઈલ ટેન્કરને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યુ હતુ. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હુમલા બાદ ટેન્કરમાંથી 9 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ 2 ક્રૂ મેમ્બર્સ ગુમ હોવાથી તેની શોધખોળ માટે સઘન બચાવ કામગીરી ચાલુ છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ આ સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યું છે અને સંબંધિત સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
હોર્મૂઝ સ્ટ્રેટ અને આસપાસના શિપિંગ જળમાર્ગો પર કમર્શિયલ જહાજો પર જોખમ સતત વધી રહ્યુ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નેવી દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં એક મોટું ઓઈલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે લેન્ડમાઈન સાથે અથડાતા તેમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.











