Amritsar Airport drone alert: અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા હડકંપ મચી ગયો છે. એરપોર્ટ આસપાસ શંકાસ્પદ ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને થોડા સમય માટે એર સ્પેસ પણ બંધ કરી દેવામાં આવી હતી. કેટલીક ફ્લાઈટ્સને દિલ્હી અને ચંદીગઢ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
અમૃતસર એરપોર્ટ આસપાસ રવિવારે રાતે શંકાસ્પદ ડ્રોન દેખાવાના કારણે તાત્કાલિક રન વે બંધ કરી દેવામાં આવ્યો હતો, ત્રણ ફ્લાઈટ પણ દિલ્હી અને ચંદીગઢ તરફ ડાયવર્ટ કરી દેવાઈ હતી. કુઆલાલુમ્પુરની ફ્લાઈટ અને એર ઈન્ડિયાની ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરાઈ હતી જ્યારે મુંબઈથી અમૃતસર આવતી ફ્લાઈટને ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી. અચાનક આવી પડેલી સ્થિતિના કારણે મુસાફરો હાંફળા ફાંફળા થઈ ગયા હતા અને એરપોર્ટ પર જ અટવાયેલા રહ્યા હતા.
અગાઉ પણ 6 સપ્ટેમ્બરે રન વે અને ઓપરેશનલ એરિયા તરફ શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી, જેના કારણે બે કલાક સુધી રન વે અને એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી.
પોલીસની ટીમ દ્વારા શંકાસ્પદ ડ્રોન દેખાવાની ગતિવિધિ અંગે તપાસ ચાલી રહી છે. ડ્રોન ક્યાંથી આવ્યા હતા અને કોણ તેનો ઉપયોગ કરી રહ્યુ હતુ, તે અંગે હજુ સુધી કોઈ માહિતી હાથ લાગી નથી. અમૃતસર પોલીસને શંકા છે કે એરપોર્ટ નજીકના ગામમાં કબડ્ડીની ટુર્નામેન્ટને લઈને ડ્રોન દ્વારા વીડિયોગ્રાફી થઈ રહી હોઈ શકે છે.











