UPI MDR Charges Postponed: કેન્દ્ર સરકારે UPI પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાના નિર્ણયમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરતા વેપારીઓને મોટી રાહત આપી છે. દિવાળીના તહેવાર અગાઉ સરકારે વેપારીઓ માટે મોટુ પગલું લીધુ છે. અગાઉ 15 ઓક્ટોબરથી 2 હજારથી વધુના UPI પેમેન્ટ પર MDR ચાર્જ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને લઈને વેપારીઓમાં ભારે રોષ વ્યાપેલો હતો. પરંતુ હવે UPI ટ્રાન્ઝેક્શન પર તેનો અમલ દિવાળી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. તહેવારોની મોસમમાં લેવાયેલા આ નિર્ણયને સરકારના અગાઉના આયોજનમાંથી પીછેહઠ તરીકે જોવામાં આવી રહ્યો છે.
અગાઉ સરકારે એવો નિર્ણય કર્યો હતો કે 2 હજારથી વધુના ગ્રાહક ટુ મર્ચન્ટ UPI પેમેન્ટ પર 0.4 ટકા સુધીનો MDR ચાર્જ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયનો અમલ 15 ઓક્ટોબરથી કરવાનો હતો, વેપારી અને ડિજિટલ ક્ષેત્રે પેમેન્ટ માટે આ નિર્ણય મોટો સાબિત થઈ રહ્યો હોત. જો કે સરકારે અમલનો સમય નજીક આવતા જ નિર્ણયમાં ફેરફાર કર્યો છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. NPCIએ જણાવ્યું છે કે તેને દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, પરંતુ અત્યારે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. હવે સરકારે આ નિર્ણય દિવાળી પછી અમલમાં મુકવાની જાહેરાત કરી છે. તહેવારોની સિઝનને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાનું અનુમાન છે. પર્સન ટુ મર્ચન્ટ પેમેન્ટ પર દિવાળી સુધી કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં નહી આવે. હાલની જાહેરાત પર્સન ટુ મર્ચન્ટ પેમેન્ટ અંગેની જ છે, તેથી તમામ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ મુલતવી રખાયો છે એવુ પણ માનવુ યોગ્ય નથી.
નક્કી કરાયેલા 0.40 ટકાના દર પ્રમાણે 10,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર MDRની ગણતરી 40 રૂપિયા થાય છે. આ ચાર્જની લાગુ પડતી શરતો અને તેની જવાબદારી કોના પર રહેશે તે સંબંધિત નિયમો પર આધારિત રહેશે. સરકારે પહેલાં નક્કી કરેલી તારીખના માત્ર બે દિવસ પહેલાં અમલ મુલતવી રાખતાં હવે નવી તારીખની જાહેરાત પર નજર રહેશે. દિવાળી પછી MDR ચાર્જ ક્યારે લાગુ થશે અને કયા ટ્રાન્ઝેક્શનને તેમાં સામેલ કરવામાં આવશે તે અંગેની સ્પષ્ટતા પછી જ આ નિર્ણયની સંપૂર્ણ અસર જાણી શકાશે.











