નશાના કારોબારનો પર્દાફાશ કરનાર એક્ટિવિસ્ટની હત્યા

Punjab Mansa activist shot dead: પંજાબમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે. માનસા જિલ્લામાં સોમવારે એક હચમચાવી નાંખતી ઘટના બની છે. નશાખોરો સામે અવાજ ઉઠાવનાર સામાજિક કાર્યકરની સરેઆમ જાહેરમાં હત્યા કરી નાંખવામાં આવી છે. નશા વિરોધી અભિયાન ચલાવનાર એન્ટિ-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિન્દર ઝોટાની મેડિકલ સ્ટોરના માલિક દ્વારા જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં પણ કેદ થયો છે. જે વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થાય છે કે પરવિન્દર ઝોટા માનસા જિલ્લામાં એક મેડિકલ સ્ટોરમાં ગયા હતા અને તેના માલિક પર ગેરકાયદે નશીલી દવાઓ વેચવાનો આરોપ લગાવ્યો હતો. વાયરલ વીડિયોમાં ઝોટા મેડિકલ સ્ટોરના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી રહ્યા છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જે બાદ મામલો વધુ બિચક્યો હતો. બંનેના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મેડિકલ સ્ટોરના માલિકે પોતાની પાસે રહેલ બંદૂક કાઢીને પરવિન્દર ઝોટા પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જેમાં પરવિન્દર ઝોટાને અનેક ગોળીઓ શરીરમાં વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ ભયાનક ગોળીબારીમાં ઝોટાના સાથીદારને પણ ગંભીર ઈજા પહોંચી છે. ઘટના બાદ મેડિકલ સ્ટોરનો માલિક દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

એન્ટિ ડ્રગ એક્ટિવિસ્ટની સરેઆમ હત્યા બાદ પંજાબમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે. વિપક્ષ શિરોમણી અકાલી દળે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને ઘેરી લીધી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને કોંગ્રેસ અને SAD દ્વારા હલ્લાબોલ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. વળી, આગામી વર્ષની શરૂઆતમાં જ પંજાબમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આ સૌથી મોટો રાજકીય મુદ્દો બની રહ્યો છે.

કોગ્રેસ નેતાઓ ભગવંત માનની આમ આદમી પાર્ટીની સરકારને ઘેરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોંગી નેતાઓની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે કે પરવિન્દર ઝોટા નશાખોરી સામે લડી રહ્યા હતા છતાં સરકારે તેમને ક્યારેય કોઈ સહકાર કે સુરક્ષા આપી નથી. શિરોમણી અકાલી દલના વડા સુખબીર સિંહ બાદલે પણ આ ઘટના પર આઘાત વ્યક્ત કર્યો છે અને આપ સરકારના નશા વિરોધી અભિયાન ‘યુધ નશેઆં વિરુદ્ધ’ ને માત્ર એક દેખાડો ગણાવ્યો છે. પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.  

Join WhatsApp

Join Now

Leave a Comment