પડોશી દેશમાં ફરીથી કુદરતી આફતે ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં ટેન્શન વધાર્યુ

ભારતના પાડોશી દેશ ભૂતાનના ગાસા જિલ્લામાં શિંતાફૂ ગ્લેશિયર તૂટવાની હોનારત સામે આવી છે. શિંતાફૂ સરોવર ફાટવાને કારણે વિશાળ માત્રામાં પાણી મોફુર નદી થઈને સંકોશ નદી તરફ ધસમસતી ગતિએ આગળ વધી રહ્યું છે. આ બનાવને પગલે ભારત સરકાર અને હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને આસામના ધુબરી જિલ્લા સહિત ઉત્તર બંગાળના વિવિધ વિસ્તારોમાં ખાસ પૂરની એડવાઈઝરી અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાતોરાત લગભગ 10,000 લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવામાં આવ્યા હતા.

ભૂતાનના લુંગો વિસ્તારમાં વાકિલા પર્વત નીચે સ્થિત શિંતાફૂ સરોવરમાંથી પાણીનો અતિભારે પ્રવાહ છૂટતાં જ નદી કિનારે વસતા લોકોને ચેતવવા માટે રાતભર સાયરનો વગાડવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા NDRF અને SDRF ની  ટીમોને પશ્ચિમ બંગાળના તુફાનગંજ અને બોક્સીરહાટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના વન મંત્રી મનોજ કુમાર ઉરાંવે સોશિયલ મીડિયા મારફતે વીડિયો સંદેશ જારી કરીને સંકોશ નદીના કિનારે રહેતા લોકોને તાત્કાલિક પોતાના ઘરો ખાલી કરીને સુરક્ષિત ઊંચાણવાળા સ્થળોએ પહોંચી જવા અપીલ કરી છે.

ભારત સરકાર દ્વારા જારી કરાયેલી સત્તાવાર એડવાઈઝરી મુજબ, પુનાત્સાંગછૂ (જે ભારતમાં પ્રવેશતાં સંકોશ નદી તરીકે ઓળખાય છે) નદીના ઉપરી ક્ષેત્રમાં અચાનક પૂર આવવાના કારણે ભારતીય સીમા સુધી પાણી પહોંચવામાં 6 થી 8 કલાકનો સમય લાગી શકે છે. દાર્જિલિંગના પહાડી વિસ્તારો, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શિંતાફૂ સરોવર ભૂતાનની 17 અત્યંત જોખમી ગ્લેશિયર ઝીલો પૈકીનું એક છે. હિમાલય ક્ષેત્રમાં બરફ પીગળવાથી રચાયેલા આ સરોવરમાં પાણીનું દબાણ વધતાં કુદરતી બંધ તૂટી જવાથી આ હોનારત સર્જાઈ છે

Join WhatsApp

Join Now

Leave a Comment