ડિસેમ્બર, 2024માં ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો, બાળકીને ઘરની નજીકના ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતુ અને બાળકીના મોઢા અને પ્રાઈવેટ પાર્ટ્સ પર ગંભીર ઈજા પહોંચાડી હતી, આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપી વિજય પાસવાનનું વડોદરા મધ્યસ્થ જેલમાં મોત થયુ છે. બાળકીએ 8 દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો, દુષ્કર્મ અને હત્યાના આરોપી વિજય પાસવાનનું હાર્ટ અટેકના લીધે મોત થયુ છે.
16 ડિસેમ્બર, 2024 ના રોજ ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી અચાનક ગુમ થઈ ગઈ હતી. શોધખોળ હાથ ધરવા છતાં પણ બાળકી મળી નહતી. બાળકીની ભાળ ન મળતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, આ દરમિયાન આરોપી વિજયે બાળકીને ઘર નજીક જ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં લઈ જઈને અમાનવીય કૃત્ય આચર્યુ હતુ. દુષ્કર્મ બાદ આરોપીએ ઓળખ છૂપાવવા માટે અને કૃત્યથી બચવા માટે બાળકીની હત્યા પણ કરી દીધી હતી. બાળકી ગંભીર હાલતમાં મળી આવતા સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં 8 દિવસની સારવાર બાદ બાળકીએ દમ તોડી દીધો હતો. બાળકીના મોઢા પર, પેટ અને પ્રાઈવેટ પાર્ટ્સમાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભરૂચ એસપીની સૂચનાથી જૂદી-જૂદી તપાસ ટીમો બનાવીને આરોપીની શોધ શરૂ કરી દેવાઈ હતી. પોલીસની ટેકનિકલ સર્વેલન્સ ટીમે ઘટનાના ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લીધો હતો અને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યુ હતુ. રાજ્ય સરકારે કેસની ગંભીરતાને જોતા ઝડપી ટ્રાયલ ચલાવવાનો આદેશ કર્યો હતો. ફેબ્રુઆરી 2025માં કેસ શરૂ થયો અને મે 2025માં ચુકાદો આપી દેવામાં આવ્યો હતો. સરકારી વકીલે આરોપીના કૃત્યને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવ્યુ હતુ. અંકલેશ્વર સેશન્સ કોર્ટે દાખલો બેસે અને લોકોમાં આ પ્રકારના જઘન્ય કૃત્યો સામે ડર બેસે તે માટે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.












