અમદાવાદમાં સુભાષ બ્રિજની જગ્યાએ નવા બ્રિજના નિર્માણને લઈને વિવાદ ઊભો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડ બેઠકમાં વિપક્ષે બ્રિજનું કામ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન નામની કંપનીને સોંપવા સામે સવાલો ઉઠાવી હોબાળો મચાવ્યો હતો.
વિપક્ષનો આરોપ છે કે, જે કંપનીને બ્રિજનું કામ સોંપવામાં આવ્યું છે, તેને અગાઉ ગાંધીનગર GIDC દ્વારા 20 વર્ષ માટે ડીબાર્ડ એટલે કે પ્રતિબંધિત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ કંપનીને કામ કેવી રીતે આપવામાં આવ્યું, તે અંગે વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે.
સિંગલ ટેન્ડરથી કામ સોંપવા સામે સવાલ
વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો કે ડીબાર્ડ થયેલી કંપનીને સિંગલ ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટ કેવી રીતે મળી શકે? સાથે જ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો.

વિપક્ષે નવા બ્રિજની કામગીરી અને તેની ગુણવત્તાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે ચોક્કસ કંપનીને ફાયદો થાય તે રીતે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હોવાની તપાસ થવી જોઈએ.
₹241 કરોડનો બ્રિજ ₹300 કરોડ સુધી પહોંચશે?
સુભાષ બ્રિજના નિર્માણના ખર્ચને લઈને પણ વિવાદ છે. વિપક્ષે ચિંતા વ્યક્ત કરી છે કે, બ્રિજના કામનો ખર્ચ મૂળ ₹241 કરોડ હતો, જે વધીને લગભગ ₹300 કરોડ સુધી પહોંચી શકે છે. વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરને વધુ ફાયદો પહોંચાડવા માટે સમારકામના બહાને જૂના બ્રિજને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સત્તાધારી પક્ષે આક્ષેપો ફગાવ્યા
બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષે વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરતા કહ્યું કે હાલ બ્રિજનું કામ ₹241 કરોડના ખર્ચે જ મંજૂર કરવામાં આવ્યું છે અને બ્રિજની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે.
ડીબાર્ડ કંપનીના રેકોર્ડ અંગે પણ સવાલ
આ મામલે ઈજનેર વિભાગના અધિકારીઓએ કંપની ડીબાર્ડ હોવા અંગે પોતાની પાસે કોઈ રેકોર્ડ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, વિપક્ષે આ જવાબ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષે મ્યુનિસિપલ કમિશનર પાસે સમગ્ર મામલાની તપાસ કરાવી જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
જનરલ બોર્ડના એજન્ડા વગર કામ શરૂ કર્યાનો આરોપ
આ વિવાદમાં વધુ એક ગંભીર સવાલ વિપક્ષના કાઉન્સિલરે ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, સુભાષ બ્રિજની દરખાસ્ત જનરલ બોર્ડના એજન્ડામાં સામેલ જ નહોતી, તેમ છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
વિપક્ષનો વધુમાં દાવો છે કે કંપની દ્વારા છેલ્લા બે મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
હવે સુભાષ બ્રિજના નવા નિર્માણને લઈને ઉઠેલા આ સવાલો વચ્ચે ટેન્ડર પ્રક્રિયા, કંપનીની પાત્રતા અને સમગ્ર નિર્ણય પ્રક્રિયામાં કેટલી પારદર્શિતા રાખવામાં આવી હતી, તે મુદ્દે મ્યુનિસિપલ કમિશનર શું તપાસ કરે છે તેના પર સૌની નજર છે.













