ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

AMC Hall Booking Rules : અમદાવાદમાં હોલ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, કંકોતરીની શરત રદ

AMC Hall Booking Rules

AMC hall booking rules : અમદાવાદમાં કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ બુક કરાવવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે. AMC દ્વારા હોલ બુકિંગના નિયમોમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લગ્ન કે અન્ય પ્રસંગ માટે બુકિંગ કરાવતા સમયે કંકોતરી કે આમંત્રણ પત્રિકા આપવી ફરજિયાત રહેશે નહીં. અત્યાર સુધી લગ્ન કે અન્ય પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ અથવા પાર્ટી પ્લોટનું બુકિંગ(Ahmedabad Community Hall Booking) કરાવવા માટે કંકોતરી અથવા આમંત્રણ પત્રિકા રજૂ કરવી ફરજિયાત હતી. જેના કારણે સ્થળ નક્કી કર્યા પહેલાં જ પત્રિકા છપાવવાની અને સમયસર હોલ બુક ન થવાની સમસ્યા ઊભી થતી હતી. હવે AMCની સ્થાયી સમિતિની બેઠકમાં બુકિંગ માટે આમંત્રણ પત્રિકા રજૂ કરવાની શરત દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે લોકો કંકોતરી વિના પણ હોલ અથવા પાર્ટી પ્લોટનું બુકિંગ કરાવી શકશે. એટલે કે હવે આ નિર્ણયથી શહેરીજનોને હવે હોલ બુક કરાવવામાં વધુ સરળતા રહેશે.

92 હોલ અને પાર્ટી પ્લોટને PPP મોડલ પર આપવાની વિચારણા

અમદાવાદ શહેરમાં આવેલા લગભગ 92 કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલનને લઈને પણ AMC નવી પોલિસી પર કામ કરી રહ્યું છે. AMC દ્વારા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન નવી પોલિસી હેઠળ ખાનગી ડેકોરેશન કોન્ટ્રાક્ટરોને સોંપવાની વિચારણા ચાલી રહી છે.   

રમત-ગમતના સંકુલોની જેમ આ સુવિધાઓને પણ પીપીપી (PPP) મોડેલ પર આપવા અંગે સ્થાયી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જોકે, આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. તમામ હોલના ખર્ચ, આવક અને અન્ય ટેકનિકલ વિગતો એકત્ર કર્યા બાદ નવી પોલિસી જાહેર કરવામાં આવશે.

AMCને વર્ષે 40 કરોડનો ખર્ચ, આવક વધારવાનો પ્રયાસ

સ્થાયી સમિતિના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2018 પહેલાં કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે હતું. તે સમયે AMCને વાર્ષિક આશરે 10 કરોડ રૂપિયાની આવક થતી હતી.

હાલમાં હોલની સુરક્ષા, લાઇટ અને સફાઈ પાછળ કોર્પોરેશનને વર્ષે આશરે 40 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ નાણાકીય બોજ ઘટાડવા નવી નીતિ પર કામ ચાલી રહ્યું છે. સાથે જ સામાન્ય લોકોને પણ પરવડે તેવા દરે હોલની સુવિધા મળી રહે તે માટે ભાવ નિયંત્રણની વ્યવસ્થા કરવાની યોજના છે.

Join WhatsApp

Join Now

Leave a Comment