બુધવારે મોડી સાંજે ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં એક કોમર્શિયલ બાંધકામ સાઈટ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. કુડાસણ વિસ્તારમાં નવી બની રહેલી ‘બોસકી ધ એમ્પાયર’ નામની બિલ્ડિંગમાં લગભગ રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ ચોથા માળે સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બે યુનિટ વચ્ચે ઊભું કરવામાં આવી રહેલું લોખંડનું સ્ટ્રક્ચર અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે બાંધકામ સાઈટ પર આશરે 15 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. સ્ટ્રક્ચર તૂટી પડતાં કેટલાક શ્રમિકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ અને રેસ્ક્યૂ ટીમોએ કાટમાળ હટાવીને શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
સવાર સુધીમાં તમામ 15 શ્રમિકોનું રેસ્ક્યૂ
રાહત અને બચાવ કામગીરી દરમિયાન શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સવાર સુધીમાં તમામ 15 શ્રમિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. જેમાંથી 12 શ્રમિકોને ઈજા થઈ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ત્રણ શ્રમિકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
108ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી
દુર્ઘટનાની ગંભીરતાને જોતા 108 એમ્બ્યુલન્સની ટીમો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
ત્રણ કોન્ટ્રાક્ટરો અંગે શ્રમિકોના આક્ષેપ
ઈજાગ્રસ્ત શ્રમિકોના દાવા મુજબ, બિલ્ડિંગના બાંધકામ કામ સાથે પ્રવીણ મેડા, શાહીલ અને યશ ચૌધરી નામના ત્રણ કોન્ટ્રાક્ટરો જોડાયેલા છે. શ્રમિકોના આક્ષેપ મુજબ, ઘટના બની ત્યારે આ ત્રણેય કોન્ટ્રાક્ટરો સ્થળ પર હાજર નહોતા.
સ્થાનિક લોકોમાં પણ દોડધામ
ઘટનાની જાણ થતાં જ કુડાસણના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ અને 108ની ટીમોએ સંકલન કરીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
હાલ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બિલ્ડિંગના બાંધકામ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને સ્ટ્રક્ચર ધરાશાયી થવાનું ચોક્કસ કારણ શું હતું તે તપાસ બાદ સામે આવશે.














