Ukraine-Russia War News: અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના દબાણને અવગણીને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ હવે રશિયા પર મોટો અને ભયંકર હુમલો કરી દીધો છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. યુક્રેને રશિયાની ઓઈલ રિફાઈનરી પર ડ્રોન હુમલા શરૂ કર્યા છે. યુક્રેને નિઝની નોવગોરોડની ‘ક્સ્ટોવો રિફાઇનરી’ અને સમારાની ‘રોસ્નેફ્ટ રિફાઇનરી’ને નિશાન બનાવીને આગ ચાંપી દીધી હતી. આ હુમલાઓથી નારાજ ક્રેમલિને આક્ષેપ કર્યો છે કે યુક્રેન હવે અમેરિકાની સૂચનાઓ અને વિનંતીઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યું છે.
ઝેલેન્સ્કીએ અગાઉના અહેવાલો ફગાવ્યા
અગાઉ અહેવાલો આવ્યા હતા કે યુક્રેન અમેરિકાના દબાણ સામે ઝૂકી ગયું છે અને રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા રોકવા સંમત થયું છે. જોકે, યુક્રેનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નરની 30 દિવસ માટે હુમલા રોકવાની માંગણી ક્યારેય સ્વીકારી નહોતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વૈશ્વિક બળતણના ભાવ વધારા માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જવાબદાર ઠેરવ્યા હતા અને ગયા મહિને રશિયન ડીઝલ પરના પ્રતિબંધો પણ હટાવી લીધા હતા.
રશિયા દ્વારા સતત ડ્રોન અને મિસાઈલ હુમલાનો જવાબ આપવો જરૂરી હતો: ઝેલેન્સ્કી
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યુ કે રશિયાન જવાબ આપવો જરૂરી હતો, રશિયા દ્વારા યુક્રેન પર સતત મિસાઈલ અને ડ્રોન હુમલા થઈ રહ્યા હતા. ઓકોટબર માસમાં જ રશિયાએ રેકોર્ડ 54 હજારથી વધુ સૈનિકો ગુમાવ્યા છે. જે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. યુક્રેને રશિયાના કબજા હેઠળની 96.2 ચોરસ મીટર જમીન પણ પરત મેળવી લીધી છે.
ઓલેશ્કી શહેરમાં 6 દિવસનો યુદ્ધ વિરામ પૂર્ણ
રશિયાના કબજાવાળા ઓલેશ્કી શહેરમાં અમેરિકાના ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પની મધ્યસ્થતાથી થયેલો 6 દિવસનો યુદ્ધવિરામ રવિવારે રાત્રે પૂરો થયો છે. આ દરમિયાન સેંકડો નાગરિકો સુરક્ષિત રીતે પોતાના પરિવારને મળી શક્યા અને બંને પક્ષે તેને સફળ ગણાવ્યો. જોકે, યુક્રેનના નિરીક્ષકોનું માનવું છે કે રશિયાએ આ સમયનો ઉપયોગ પોતાના થાકેલા સૈનિકોને બદલવા અને મોરચો મજબૂત કરવા માટે કર્યો હતો.
ત્રિપક્ષીય વાટાઘાટો થવાની શક્યતાઓ
આ જ અઠવાડિયે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય વાટાઘાટો થવાની શક્યતા છે. ક્રેમલિને જણાવ્યું છે કે, ‘વ્લાદિમીર પુતિન ઝેલેન્સ્કી સાથે સીધી ફોન પર વાત કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુરોપિયન નેતાઓને સામેલ કરવામાં નહીં આવે. દરમિયાન, યુદ્ધવિરામ પૂરો થતાં જ બંને દેશોમાં સાયબર હુમલાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં યુક્રેનમાં રેડિયેશન એલર્ટની ખોટી માહિતી વાઇરલ થઈ હતી અને રશિયાની ઇમરજન્સી એપ પણ હેક થઈ હોવાનો દાવો કરાયો હતો.’










