Nepal Flood News : નેપાળમાં બુધવારે કુદરતી આફતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ચીન-તિબેટ સરહદ નજીક આવેલા ઉત્તરીય નેપાળમાં ભોટેકોશી નદીનું પાણી અચાનક વધતા ભારે પૂર આવ્યું. જેના કારણે અનેક ગામો, બજારો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકો લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુરક્ષા દળોના જવાનો પણ સંપર્કવિહોણા બન્યા હોવાની માહિતી છે.
તિબેટથી અચાનક આવ્યું પાણી
મળતી માહિતી પ્રમાણે બુધવારે સવારે આશરે 9 વાગ્યે તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. થોડા જ સમયમાં નદીનું પાણી કિનારાના વિસ્તારોમાં ઘૂસી ગયું અને ભારે તબાહી મચાવી. રસૂવા જિલ્લાના તિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં મકાનો, વાહનો અને માલસામાન પાણીમાં તણાઈ ગયા. લગભગ એક ડઝન જેટલી વસાહતોમાં પૂરનું પાણી ઘૂસી ગયું હોવાનું સામે આવ્યું છે.
પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને મોટું નુકસાન
પૂરના ભારે પ્રવાહને કારણે અનેક પુલ ધરાશાયી થયા છે. નુવાકોટમાં ત્રિશૂલી બજાર નજીક આશરે 60 જેટલા મકાનો તણાઈ ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત ત્રિશૂલી અને દેવીઘાટ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ તેમજ સોલાર પ્લાન્ટ અને સબસ્ટેશનને પણ નુકસાન પહોંચ્યું છે. મહત્વના વેપાર માર્ગો અને રસ્તાઓ પર પણ વાહનવ્યવહાર ખોરવાયો છે.
41 સુરક્ષાકર્મીઓ પણ લાપતા
પૂરની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફરજ પર તૈનાત 41 સુરક્ષાકર્મીઓ લાપતા હોવાની માહિતી સામે આવી છે. તેમાં નેપાળ પોલીસના 32 અને આર્મ્ડ પોલીસ ફોર્સના 9 જવાનોનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ કામગીરીમાં નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

12 હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નેપાળ સરકારે બચાવ કામગીરી તેજ કરી છે. નેપાળી સેનાએ MI-17 સહિત કુલ 12 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
ગ્લેશિયર લેક ફાટ્યું હોવાની આશંકા
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક વિસ્તારમાં ભારે વરસાદને કારણે આ પૂર આવ્યું હોય તેવું હાલ જણાતું નથી. ભોટેકોશી નદીનો ઉપરનો પ્રવાહ તિબેટમાંથી આવે છે.
આથી તિબેટમાં ગ્લેશિયર લેક ફાટવાથી એટલે કે Glacial Lake Outburst Flood (GLOF) જેવી ઘટનાને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પૂરનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
ફરી પૂરનું જોખમ, હાઇ એલર્ટ જાહેર
નેપાળના અધિકારીઓએ ચેતવણી આપી છે કે તિબેટ તરફ કુદરતી રીતે બનેલા પાણીના બંધમાં હજુ પણ મોટી માત્રામાં પાણી ભરાયેલું છે. જો આ બંધ તૂટે તો ફરીથી નદીમાં અચાનક પાણીનું સ્તર વધી શકે છે.
આથી નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ભારતના બિહારમાં પણ એલર્ટ
ભોટેકોશી નદી આગળ જઈને ત્રિશૂલી નદીમાં મળે છે અને ત્યારબાદ આ નદી ભારતમાં ગંડક નદી તરીકે ઓળખાય છે. તેથી નેપાળમાં આવેલા આ જળપ્રલયની અસરને ધ્યાનમાં રાખીને ભારતના બિહારના સરહદી વિસ્તારોમાં પણ સાવચેતી વધારી દેવામાં આવી છે.
બિહાર તંત્ર દ્વારા સંભવિત પૂર સામે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓને સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
નેપાળમાં આવેલા આ વિનાશક પૂરે ફરી એકવાર હિમાલય વિસ્તારમાં મજબૂત અર્લી વોર્નિંગ સિસ્ટમ અને સરહદ પાર આપત્તિ વ્યવસ્થાપનની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.














