AMC New Road Rules : અમદાવાદ શહેરમાં નવા બનનારા રસ્તાઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં બનતા દરેક નવા રોડના બંને છેડે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત રહેશે. આ તકતી પર રોડની કામગીરી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવાની રહેશે.
અગાઉ રોડની કામગીરી અંગેની માહિતી કલરથી બોર્ડ પર લખવામાં આવતી હતી, જે થોડા સમય બાદ ભૂંસાઈ જતી હતી. હવે તેના બદલે પથ્થરની તકતી લગાવવામાં આવશે, જેથી રોડ કોણે બનાવ્યો, કામગીરી ક્યારે પૂર્ણ થઈ અને તેની જવાબદારી કોની છે તેની માહિતી લાંબા સમય સુધી લોકો જોઈ શકે.
રોડની તકતી પર કઈ માહિતી હશે?
AMCના નવા નિયમ મુજબ પથ્થરની તકતી પર રોડની સંપૂર્ણ વિગતો, ઝોન અને વોર્ડની માહિતી, કામ પૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ, ગેરેન્ટી પિરિયડ અને ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ દર્શાવવાનો રહેશે.
આ ઉપરાંત કોન્ટ્રાક્ટરનું નામ અને ફોન નંબર તેમજ AMCનો ટોલ ફ્રી નંબર પણ તકતી પર લખવાનો રહેશે. જો રોડની કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તેની માહિતી માટે અલગથી સુધારાની તકતી લગાવવાની રહેશે.
AMCએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો નવા રોડ પર આવી તકતી લગાવવામાં નહીં આવે તો સંબંધિત કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવી શકાય છે. રોડના ગેરેન્ટી પિરિયડ દરમિયાન જરૂરી ચકાસણી અને ખામી દૂર કરવાની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની રહેશે.
₹136 કરોડના 7 મોડલ રોડની દરખાસ્ત મોકૂફ
બીજી તરફ, AMCના ઈજનેર વિભાગની કામગીરીને લઈને પણ સવાલો ઉભા થયા છે. સરકારે શહેરી વિસ્તારોના આંતરિક રસ્તાઓ RCCથી બનાવવાનો નિર્ણય કર્યો હોવા છતાં રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 7 મોડલ રોડને પેવર એટલે કે ડામરથી બનાવવાની રૂ.136 કરોડની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ દરખાસ્તમાં બિટ્યુમિનના ભાવમાં થતા તફાવતની ચૂકવણીની શરત પણ રાખવામાં આવી હતી. જોકે, રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની બેઠકમાં આ વિસંગતતા સામે આવતા રૂ.136 કરોડની દરખાસ્તને હાલ મોકૂફ રાખવામાં આવી છે.
હવે સરકારી નિયમ મુજબ આ રસ્તાઓ RCCથી બનાવવા માટે નવા પ્લાન, એસ્ટીમેન્ટ અને અન્ય જરૂરી વિગતો તૈયાર કરવાનો આદેશ ઈજનેર વિભાગને આપવામાં આવ્યો છે.












