Pakistan Islamabad Hospital Fire : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બુધવારે એક હચમચાવી દેનારી દુર્ઘટના બની છે. પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS)ના ગાયનેકોલૉજી વિભાગના નવજાત શિશુઓના વોર્ડમાં વહેલી સવારે આગ લાગતાં 15 નવજાત બાળકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે.
PIMS અધિકારીઓએ જણાવ્યુંકે, આગ લાગી ત્યારે નર્સરીમાં કુલ 16 નવજાત બાળકો હાજર હતાં. ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ટીમ માત્ર એક બાળકને સુરક્ષિત બહાર કાઢી શક્યું હતું.
ACનું કમ્પ્રેસર ફાટતાં આગ લાગી હોવાનો પ્રાથમિક અહેવાલ
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગ સવારે આશરે 7 વાગ્યાની આસપાસ લાગી હતી. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, એર કન્ડિશનરના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થયા બાદ નર્સરીમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ કૂલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની છ ગાડીઓ અને ચાર એમ્બ્યુલન્સની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્રીજા માળે લાગેલી આગે મચાવી અફરાતફરી
જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલના MCH વોર્ડના ત્રીજા માળે આગ લાગી હતી. આગ બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેસ્ક્યૂ ટીમે આગ પર કાબૂ મેળવ્યા બાદ કૂલિંગ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. આ દુર્ઘટનાએ હોસ્પિટલમાં ખાસ કરીને નવજાત શિશુઓ અને મેટરનિટી વોર્ડની ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તપાસ માટે કમિટી રચાઈ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એડિશનલ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે આગનું કારણ અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરશે.

એક તરફ દુર્ઘટનામાં 15 માસૂમ બાળકોનાં મોતથી શોકનો માહોલ છે, તો બીજી તરફ આટલી મોટી દુર્ઘટના પાછળની બેદરકારી કે ટેક્નિકલ ખામી શું હતી, તે અંગે હવે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.












