Amazon Flipkart New Seller Penalty Rules : ઓનલાઈન શોપિંગ દરમિયાન ઓર્ડર કર્યા પછી સેલર ઓર્ડર કેન્સલ કરી દે અથવા સમયસર સામાન મોકલે નહીં, તો તમને કેટલી ગુસ્સો આવે છે ને? હવે બસ, ગ્રાહકોની આ જ તકલીફ દૂર કરવા માટે Amazon અને Flipkart દ્વારા સેલર્સ માટે હવે બહુ જ કડક નિયમો લઈને આવ્યા છે!
નવા નિયમો હેઠળ જો સેલર ગ્રાહકની પરમિશન વગર પોતાની તરફથી ઓર્ડર કેન્સલ કરે અથવા નિર્ધારિત સમયમર્યાદામાં શિપમેન્ટ મોકલે નહીં, તો તેના પર મોટો દંડ લાગશે. જોકે, ગ્રાહકોને આ નિયમોથી સમયસર ડિલિવરી મળવાની શક્યતા વધશે, પરંતુ નાના વેપારીઓ પર આર્થિક ભાર વધવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Amazon પર ઓર્ડર વેલ્યુ પ્રમાણે પેનલ્ટી
Amazon Indiaએ 17 ઓગસ્ટ 2026થી Easy Ship અને Self Shipનો ઉપયોગ કરતા સેલર્સ માટે નવું કેન્સલેશન ફી સ્ટ્રક્ચર લાગુ કર્યું છે.

નવા નિયમ મુજબ:
- ₹10,000 સુધીના ઓર્ડર: 10% ફી, મહત્તમ ₹1,000
- ₹10,001થી ₹50,000: 8% ફી, મહત્તમ ₹4,000
- ₹50,001થી ₹1 લાખ: 5% ફી, મહત્તમ ₹5,000
- ₹1 લાખથી વધુ: 2% ફી
- આ ચાર્જ પર 18% GST પણ લાગુ થશે.
જો સેલર ગ્રાહકની વિનંતી સિવાય કોઈ કારણસર ઓર્ડર કેન્સલ કરે તો આ ચાર્જ લાગુ થઈ શકે છે. ઉપરાંત, નિર્ધારિત શિપિંગ તારીખ બાદ 24 કલાકની અંદર શિપમેન્ટ કન્ફર્મ ન થાય અને ઓર્ડર ઓટો-કેન્સલ થાય તો પણ પેનલ્ટી લાગી શકે છે.
Amazon દ્વારા 7 સપ્ટેમ્બર 2026થી Fulfilment Center, Easy Ship અને Seller Flex ચેનલમાં ક્લોઝિંગ ફીમાં પણ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.


Flipkartની 3-લેયર પેનલ્ટી સિસ્ટમ
બીજી તરફ, Flipkartે પણ 23 ઓગસ્ટ 2026થી સેલર્સ માટે ત્રણ તબક્કાની પેનલ્ટી સિસ્ટમ શરૂ કરી છે.
- Dispatchમાં વિલંબ: પ્રતિ શિપમેન્ટ ₹30
- સેલર દ્વારા ઓર્ડર કેન્સલ: પ્રતિ શિપમેન્ટ ₹60
- વિલંબ બાદ ઓર્ડર કેન્સલ: પ્રતિ શિપમેન્ટ ₹90
જો સેલર સતત ત્રણ વખત ડિસ્પેચની સમયમર્યાદા ચૂકી જાય અને તેના કારણે ઓર્ડર ઓટો-કેન્સલ થાય, તો પણ ₹60ની પેનલ્ટી લાગશે.
નવા સેલર્સને શરૂઆતના 3 મહિના સુધી આ પેનલ્ટી પોલિસીમાંથી રાહત આપવામાં આવી છે. જ્યારે સમયસર ઓર્ડર પૂરા કરનારા સેલર્સને ઝડપી પેમેન્ટ અને ફ્રી એડવર્ટાઇઝિંગ ક્રેડિટ જેવા લાભો આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

નાના વેપારીઓની ચિંતા પણ વધી
ઈ-કોમર્સ કંપનીઓનો હેતુ ઓર્ડર કેન્સલેશન અને ડિલિવરીમાં વિલંબ ઘટાડવાનો છે, પરંતુ નાના વેપારીઓનું કહેવું છે કે દરેક વિલંબ સેલરની ભૂલથી જ થાય એવું નથી. પિકઅપમાં મોડું થવું, લોજિસ્ટિક્સની સમસ્યા, ટેકનિકલ ખામી અથવા અન્ય કારણોસર પણ ઓર્ડર અટકી શકે છે.
એવામાં સેલર્સનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં દંડની જવાબદારી નક્કી કરવા માટે પારદર્શક વ્યવસ્થા અને સરળ અપીલ સિસ્ટમ હોવી જોઈએ.
Amazonના જણાવ્યા મુજબ, સેલર્સ દ્વારા કરવામાં આવતા કેન્સલેશન કુલ ઓર્ડરના 1%થી પણ ઓછા છે અને સેલરની ભૂલ સિવાયના બાહ્ય કારણોસર થતા કેન્સલેશન માટે પ્રોટેક્શન સિસ્ટમ ઉપલબ્ધ છે.

આ નવા નિયમોનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને સમયસર ઓર્ડર મળવામાં થઈ શકે છે, પરંતુ તહેવારોની સીઝન પહેલાં નાના સેલર્સ માટે વધતો પેનલ્ટી ખર્ચ કેટલો અસરકારક રહેશે તે જોવાનું રહેશે.












