Post Office Monthly Income Scheme : જો તમે શેરબજારના જોખમથી દૂર રહીને નિયમિત માસિક આવક મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ Monthly Income Scheme (POMIS) તમારા માટે એક વિકલ્પ બની શકે છે. આ યોજનામાં એકસાથે રકમ જમા કરાવ્યા બાદ તેના પર મળતું વ્યાજ દર મહિને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં જમા થાય છે. આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી બની શકે છે જેઓ પોતાના રોકાણમાંથી નિયમિત આવક મેળવવા ઈચ્છે છે.
POMIS પર કેટલું વ્યાજ મળે છે?
હાલના 7.4% વાર્ષિક વ્યાજદર પ્રમાણે, રોકાણકારને વ્યાજની ચુકવણી માસિક ધોરણે કરવામાં આવે છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે.
સ્કીમમાં સિંગલ તેમજ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. સિંગલ એકાઉન્ટમાં મહત્તમ ₹9 લાખ, જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં મહત્તમ ₹15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.

₹5,001 દર મહિને મેળવવા માટે કેટલું રોકાણ કરવું?
7.4%ના વાર્ષિક વ્યાજદર પ્રમાણે જો તમે અંદાજે ₹8.10 લાખ પોસ્ટ ઓફિસ MISમાં રોકાણ કરો છો, તો વાર્ષિક વ્યાજ આશરે ₹60,000 થાય છે.
આ રકમને માસિક ધોરણે ગણીએ તો તમને દર મહિને આશરે ₹5,000ની આવક મળી શકે છે.
એ જ રીતે, જો સિંગલ એકાઉન્ટમાં મહત્તમ ₹9 લાખનું રોકાણ કરવામાં આવે તો 7.4% પ્રમાણે વાર્ષિક વ્યાજ ₹66,600 થાય છે. એટલે કે દર મહિને આશરે ₹5,550ની આવક થઈ શકે છે.

જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં ₹15 લાખનું મહત્તમ રોકાણ કરવામાં આવે તો વાર્ષિક વ્યાજ ₹1,11,000 એટલે કે દર મહિને આશરે ₹9,250ની આવક થઈ શકે છે.

સમય પહેલાં ખાતું બંધ કરશો તો શું થશે?
POMISમાં રોકાણ કર્યા બાદ પ્રથમ 1 વર્ષ સુધી ખાતું બંધ કરી શકાતું નથી. ત્યારબાદ સમય પહેલાં ખાતું બંધ કરવા પર નિયમો મુજબ કપાત થઈ શકે છે.
- 1થી 3 વર્ષ: જમા રકમમાંથી 2% કપાત
- 3થી 5 વર્ષ: જમા રકમમાંથી 1% કપાત
ખાતાધારકનું અવસાન થાય તો લાગુ પડતા નિયમો મુજબ નોમિની અથવા કાયદેસરના વારસદારને રકમ પરત કરવામાં આવે છે.

કોના માટે ઉપયોગી થઈ શકે?
પોસ્ટ ઓફિસની આ યોજના ખાસ કરીને નિવૃત્ત લોકો, સિનિયર સિટીઝન્સ અને નિયમિત આવકની જરૂરિયાત ધરાવતા રોકાણકારો માટે ઉપયોગી બની શકે છે. જોકે રોકાણ કરતા પહેલાં હાલના વ્યાજદર, મર્યાદા, કરવેરા અને સમય પહેલાં ઉપાડના નિયમો પોસ્ટ ઓફિસની સત્તાવાર માહિતી પરથી ચકાસવા જરૂરી છે.
નોંધ: ઉપરની માસિક આવકની ગણતરી 7.4% વ્યાજદરને આધારે છે. પોસ્ટ ઓફિસની વ્યાજદર અને યોજના સંબંધિત નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે.










