RBI New Rules For EMI Defaulter : જો તમે EMI પર સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ કે અન્ય ડિવાઇસ ખરીદ્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન રિકવરી અને ડિવાઈસ લોકિંગ અંગે નવા સુધારેલા નિયમો જાહેર કર્યા છે. અગાઉ હપ્તો ભરવામાં પ્રસ્તાવિત 90 દિવસની મર્યાદામાં ફેરફાર કરીને હવે 60 દિવસ કરતાં વધુ વિલંબ થાય તો જ બેંક કે ફાઈનાન્સ કંપની ડિવાઈસને સંપૂર્ણપણે લોક કરી શકશે. RBI ના આ નવા નિયમો 1 જાન્યુઆરી 2027 થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકો પોતાની બાકી રકમ વસૂલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેનાથી ગ્રાહકોને બિનજરૂરી રીતે હેરાન કે આર્થિક રીતે લાચાર બનાવી શકાય નહીં.
નવા નિયમો કેવી રીતે કામ કરશે?
- 30 દિવસ સુધી કોઈ ત્વરિત લોકિંગ નહીં : જો તમે કોઈ મહિનાનો હપ્તો ભરવાનું ભૂલી ગયા છો, તો ગભરાવાની જરૂર નથી. બેંક સીધો જ તમારો ફોન લોક નહીં કરી શકે. 30 દિવસ સુધી કોઈ ત્વરિત લોકિંગ નહીં થાય. 30 દિવસ પછી બેંક તમને એક ઔપચારિક નોટિસ મોકલશે.
- 30 થી 60 દિવસ વચ્ચે ધીમા પ્રતિબંધો: જો 30 થી 60 દિવસ સુધી હપ્તો ન ભરાય, તો બેંક ધીમે ધીમે ફોનમાં કેટલીક સુવિધાઓ પર કાપ મૂકશે. પરંતુ રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન તમે કોઈને પણ ફોન કરી શકશો (આઉટગોઇંગ કોલ ચાલુ રહેશે).
- 60 દિવસ પછી સંપૂર્ણ લોક: જો 60 દિવસ વીતી ગયા અને છતાં હપ્તો નથી ભરાયો, તો પછી કંપની કોન્ટ્રાક્ટ મુજબ તમારો ફોન કે લેપટોપ સંપૂર્ણપણે લોક કરી દેશે. (અગાઉ આ માટે 90 દિવસની મર્યાદા હતી, જે ઘટાડીને હવે 60 દિવસ કરાઈ છે).
આ પણ વાંચો : વરસાદ વચ્ચે ચાલુ હતી મેચ, અચાનક વીજળી પડતાં ખેલાડીનું મોત
ગ્રાહકોને કઈ બાબતોમાં રાહત મળશે?
- ઇમરજન્સીમાં તમારો ફોન સાથ આપશે: ફોન લોક થઈ ગયા પછી પણ બેંકો તમારા ઇનકમિંગ કોલ, SMS, ઇમરજન્સી (SOS) અને રોજગાર-કામકાજ સાથે જોડાયેલી સુવિધાઓ બંધ કરી શકશે નહીં. એટલે કે ઇમરજન્સીમાં તમારો સંપર્ક તૂટશે નહીં.
- તમારો ડેટા 100% સુરક્ષિત રહેશે: બેંક ફોન લોક કરશે તો શું આપણો ડેટા ચોરાઈ જશે? બિલકુલ નહીં. ડિવાઇસ લોક કરતી વખતે બેંક કે કંપની તમારા ફોટા, કોન્ટેક્ટ્સ, પ્રાઇવેટ મેસેજ, કોલ લોગ્સ કે લોકેશન જેવી કોઈ પણ અંગત માહિતી જોઈ શકશે નહીં.
- પૈસા ભર્યાના 1 કલાકમાં ફોન અનલોક: આ નિયમ ગ્રાહકો માટે મોટો ફાયદો છે. તમે જેવો બાકી હપ્તો ચૂકવશો, તેના 1 જ કલાકની અંદર કંપનીએ ડિવાઇસ અનલોક કરવું પડશે. જો કંપની મોડું કરે, તો જેટલા કલાક મોડું થશે તેના દર કલાકે બેંકે ગ્રાહકને ₹250 લેખે વળતર ચૂકવવું પડશે!
- ફક્ત EMI પર લીધેલો ફોન જ લોક થશે: જો તમે કોઈ પર્સનલ કે કન્ઝ્યુમર લોન નથી ભરી, તો બેંક તેના બદલામાં તમારો બીજો પર્સનલ ફોન લોક ન કરી શકે. આ નિયમ ફક્ત એ જ ફોન કે લેપટોપ પર લાગુ થશે જે લોન પર ખરીદવામાં આવ્યો હોય.
આ સિવાય, RBI એ રિકવરી એજન્ટ્સ માટે વેબસાઈટ પર વ્યક્તિગત વિગતો જાહેર કરવાની શરતમાં પણ ફેરફાર કરીને ધિરાણ આપતી સંસ્થાઓને મોટી રાહત આપી છે.

આ પણ વાંચો : NEET-UG 2026 પેપર લીક મામલે CBIની ચાર્જશીટ, NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું









