GST Registration Online : જો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યો છે. અથવા તમારા બિઝનેસનું ટર્નઓવર નક્કી કરેલી મર્યાદાને પાર કરી ગયું છે. તો તમારા માટે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) નંબર લેવો ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે GST નંબર લેવા માટે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) કે પ્રોફેશનલને 5,000 થી 10,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે અથવા તો સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડશે.
પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે ભારત સરકારનું GST પોર્ટલ સંપૂર્ણપણે ડિજિટલ છે. તમે જાતેજ ઘેર બેઠા બિલકુલ મફતમાં અને ઓનલાઇન GST રજિસ્ટ્રેશન કરી શકો છો. ચાલો જાણીએ રેજીસ્ટ્રેશનની તબક્કાવાર સરળ પ્રક્રિયા.
GST રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
રજિસ્ટ્રેશન શરૂ કરતા પહેલા આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો:
- ઓળખનો પુરાવો: બિઝનેસના માલિક, પાર્ટનર કે ડિરેક્ટરનું PAN કાર્ડ અને આધાર કાર્ડ.
- સરનામાનો પુરાવો: જ્યાં બિઝનેસ કરો છો ત્યાંનું વીજળી બિલ, પ્રોપર્ટી ટેક્સની રસીદ અથવા જો દુકાન ભાડે હોય તો રેન્ટ એગ્રીમેન્ટ (ભાડાકરાર)
- બેંકની વિગતો: તમારી બેંકનો કેન્સલ કરેલો ચેક, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુકના પહેલા પેજની નકલ
- અન્ય: તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જો કંપની હોય તો ઓથોરાઈઝેશન લેટર
સ્ટેપ 1: સૌથી પહેલાં TRN જનરેટ કરો
રજિસ્ટ્રેશનની શરૂઆત એક કામચલાઉ નંબર (TRN) મેળવવાથી થાય છે.
- સરકારના સત્તાવાર પોર્ટલ www.gst.gov.in પર જાવ.
- ત્યાં Services > Registration > New Registration પર ક્લિક કરો.
- ‘Taxpayer’ વિકલ્પ પસંદ કરીને તમારા PAN કાર્ડ મુજબ નામ, PAN નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો.
- તમારા મોબાઈલ અને ઈમેલ પર બે અલગ-અલગ OTP આવશે. તેને નાખીને વેરિફાઈ કરો, જેથી તમારો 15 આંકડાનો TRN (Temporary Reference Number) જનરેટ થઈ જશે.
સ્ટેપ 2: મુખ્ય ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
TRN જનરેટ થયા બાદ તમારે મુખ્ય ફોર્મ ભરવાનું રહેશે.
- ફરીથી પોર્ટલ પર જઈને ‘TRN’ નો વિકલ્પ પસંદ કરો. નંબર અને કેપ્ચા(captcha) નાખીને લોગિન કરો.
- My Saved Applications માં જઈને ડ્રાફ્ટ ફોર્મના એક્શન આઈકન પર ક્લિક કરો.
- હવે અહીં તમારા બિઝનેસની વિગતો, માલિકની માહિતી, બિઝનેસનું સરનામું અને તમે જે માલ વેચો છો તેના HSN/SAC કોડ્સ ભરો.
- તૈયાર રાખેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ PDF અથવા JPEG ફોર્મેટમાં અપલોડ કરી દો.
સ્ટેપ 3: આધાર ઓથેન્ટિકેશન (સૌથી જરૂરી)
ફોર્મ સબમિટ કરવાના અંતિમ તબક્કામાં તમને આધાર ઓથેન્ટિકેશન નો વિકલ્પ મળશે. આ વિકલ્પ ખાસ પસંદ કરો. તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. આધાર ઓથેન્ટિકેશનનો મોટો ફાયદો એ થશે કે તમને માત્ર 7 થી 10 દિવસમાં કોઈપણ ફિઝિકલ વેરિફિકેશન વિના GST નંબર મળી જશે. જો તમે આ વિકલ્પ પસંદ નથી કરતા, તો પ્રક્રિયામાં 30 દિવસ જેટલો સમય લાગી શકે છે.

સ્ટેપ 4: ટ્રેકિંગ અને GST સર્ટિફિકેટ ડાઉનલોડ
- ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક ARN (Application Reference Number) મોકલવામાં આવશે.
- તમે પોર્ટલ પર ‘Track Application Status’ માં જઈને આ નંબરથી તમારી અરજી ક્યાં પહોંચી તે ચેક કરી શકો છો.
- તમારી અરજી મંજૂર થતાં જ તમને 15 આંકડાનો GSTIN નંબર અને લોગિન પાસવર્ડ ઈમેલ પર મળી જશે.
- ત્યારબાદ તમે પોર્ટલ પર લોગિન કરીને તમારું ઓફિશિયલ GST સર્ટિફિકેટ સરળતાથી ડાઉનલોડ કરી શકશો.










