UPI Payment Charges : રોજિંદા જીવનમાં આજે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત વધી ગયો છે. લોકો નાનામાં નાનું પેમેન્ટ્ પણ આજે UPI (Unified Payments Interface) દ્વારા કરવામાં આવે છે. સંસદમાં રજૂ થયેલા નવા વિધેયક બાદ રૂ.2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર Merchant Discount Rate (MDR) લાગુ થઈ શકે છે તેવી ચર્ચાએ દેશભરમાં ચિંતા ઊભી કરી છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મેસેજ વાયરલ થતાં ઘણા લોકોમાં એવી ધારણા બની ગઈ કે હવે દરેક મોટા UPI પેમેન્ટ માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
RBI ગવર્નરે શું કહ્યું?
આ બધાની વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે કે UPI પર MDR લાગુ કરવાનો મુદ્દો હજુ ચર્ચામાં છે અને આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર અને RBI આ વિષય પર વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે. તેથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને આધારે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.
તેમને જણાવ્યું કે કોઈપણ ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને ચલાવવા માટે ખર્ચ થાય છે. બેંકો, પેમેન્ટ ગેટવે, ટેક્નોલોજી કંપનીઓ અને અન્ય સંસ્થાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવા માટે રોકાણ કરે છે. આ ખર્ચની વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગે વિચારણા ચાલી રહી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સામાન્ય ગ્રાહકો પર તરત જ કોઈ નવો બોજ લાદવામાં આવશે.

સામાન્ય ગ્રાહકના ખિસ્સા પર શું અસર પડશે?
ગ્રાહકો પહેલાંની જેમ UPI દ્વારા પેમેન્ટ કરી શકે છે. અને કોઈ નવો સત્તાવાર ચાર્જ ચૂકવવાનો નથી. સામાન્ય રીતે MDR વેપારી પાસેથી લેવામાં આવે છે, ગ્રાહક પાસેથી નહીં. સામાન્ય ગ્રાહકો દ્વારા કરવામાં આવતા રોજિંદા UPI પેમેન્ટ પર કોઈ સીધી અસર થવાની શક્યતા નથી. ગ્રાહકો પહેલાની જેમ જ UPI એપ દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકશે. હાલમાં જે દૈનિક ટ્રાન્ઝેક્શન મર્યાદા છે તે પણ યથાવત્ રહેશે. તેથી સામાન્ય લોકો માટે તાત્કાલિક કોઈ ફેરફાર થવાનો નથી.
MDR શું છે?
Merchant Discount Rate (MDR) એટલે વેપારીએ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ બેંકો અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવવો પડતો સર્વિસ ચાર્જ. જયારે ગ્રાહક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા અન્ય ડિજિટલ પદ્ધતિથી પેમેન્ટ કરે ત્યારે તે વ્યવહારને પ્રોસેસ કરવામાં બેંક અથવા પેમેન્ટ નેટવર્ક કંપનીઓની ભૂમિકા હોય છે. આ પ્રોસેસના ખર્ચ માટે વેપારી પાસેથી ટ્રાન્ઝેક્શનની અમુક ટકાવારી લેવામાં આવે છે.
UPIને ઝડપથી લોકપ્રિય બનાવવા માટે મોટા ભાગના ટ્રાન્ઝેક્શન પર MDR વસૂલવામાં આવતો નથી. આ જ કારણથી UPI નાના વેપારીઓથી લઈને મોટા વ્યવસાયિકો સુધી દરેક માટે સરળ અને સસ્તું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બની ગયું છે.

આ પણ વાંચો : શું તમે પણ પાસપોર્ટ કઢાવવા માંગો છો? તો પહેલા રાજ્ય પોલીસ વડાનો આ નવો આદેશ વાંચી લેજો
માત્ર મર્યાદિત ટ્રાન્ઝેક્શન આવી શકે છે દાયરામાં । UPI Payment Charges Above 2000
અહેવાલ મુજબ દેશમાં થતા કુલ UPI વ્યવહારોમાંથી અંદાજે 95 ટકા ટ્રાન્ઝેક્શન રૂ.2,000થી ઓછા હોય છે. માત્ર 5 ટકા ટ્રાન્ઝેક્શન જ રૂ.2,000થી વધુના હોય છે. અને જો ભવિષ્યમાં MDR અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે તો તેની અસર પણ માત્ર આ મર્યાદિત વેપારી ટ્રાન્ઝેક્શન(UPI Merchant Payment Charges) પર જ જોવા મળી શકે છે. આ કારણે સરકાર સંપૂર્ણ UPI સિસ્ટમ પર ચાર્જ લગાવવાના બદલે ઊંચી કિંમતના વેપારી વ્યવહારો માટે અલગ મોડલ પર વિચાર કરી શકે છે.ચર્ચા મુજબ આ ચાર્જ 0.25 ટકા થી 0.40 ટકા વચ્ચે હોઈ શકે છે. હજુ સુધી તેના દર, તેના અમલીકરણની કોઈ તારીખ અને નિયમો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જો ભવિષ્યમાં કોઈ નવો નિયમ અમલમાં આવશે તો તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ જ તે લાગુ પડશે. હાલ સામાન્ય UPI યુઝરે ગભરાવાની જરૂર નથી. પેમેન્ટ પહેલાં એપમાં દેખાતી વિગતો તપાસો અને RBI, NPCI અથવા સરકારની સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ રાખો.

આ પણ વાંચો : UPI પેમેન્ટ પહેલાં આવશે ‘YES/NO’ એલર્ટ? ફ્રોડ રોકવા આવી શકે છે મોટો નવો નિયમ









