hmedabad News: અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસકર્મીઓ સાથે રિક્ષાચાલકે ફરજ પરના ટીઆરબી જવાન અને પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિગ્નલ બંધ હોવા છતાં પૂરઝડપે આવી રહેલી રિક્ષાને અટકાવવા જતા ચાલકે વાહન સીધું જવાન સાથે અથડાવી દીધું હતું.
આખી ઘટના શું છે?
મળતી માહિતી મુજબ, ઈ-ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ વિક્ટોરિયા બીટમાં તહેનાત TRB જવાન રાહુલ પટણી સોમવારે બપોરે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પાછળના ગેટ પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. આ દરમિયાન રાયખડ ચાર રસ્તા તરફથી જુમ્મા મસ્જિદ તરફ જતી એક રિક્ષાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આક્ષેપ મુજબ, રિક્ષા રોકવાને બદલે રિક્ષાચાલકે જવાન સાથે વાહન અથડાવી દીધું હતું. ટક્કરથી રિક્ષાનો કાચ પણ તૂટી ગયો હતો. ત્યારબાદ રિક્ષાચાલકે રસ્તા વચ્ચે જ રાહુલ પટણી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને મારામારી શરૂ કરી હોવાનો આક્ષેપ છે.
આ સમગ્ર ઘટના દરમિયાન રાહુલને બચાવવા વચ્ચે પડેલા મનોજ નામના અન્ય પોલીસકર્મી સાથે પણ રિક્ષાચાલકે ઝપાઝપી કરી અને તેમને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા.
બનાવની જાણ થતાં અન્ય પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ રિક્ષાચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપીનું નામ જીગર સોલંકી હોવાનું અને તે બહેરામપુરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઈ-ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારી પર હુમલો કરવા અને ફરજમાં અડચણ ઊભી કરવાના આરોપસર ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.












