અમેરિકામાં આજે મિડટર્મ ચૂંટણી માટે મતદાન થશે. ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને ઉપલા ગૃહ સેનેટની 35 બેઠકો પર મતદાન થશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના બરાબર બે વર્ષ પછી મિડટર્મ ચૂંટણી યોજાય છે. તેમાં સંસદની બેઠકો અને કેટલાક રાજ્યોમાં ગવર્નરના પદ માટે મતદાન થાય છે. હાલમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે સંસદના બંને ગૃહોમાં બહુમતી છે. જો પાર્ટી આમાંથી કોઈ એક ગૃહમાં પણ બહુમતી ગુમાવશે, તો ટ્રમ્પ માટે પોતાના એજન્ડા સાથે સંબંધિત કાયદા પસાર કરાવવા મુશ્કેલ બની જશે.
મતદાનના કલાકો પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમની પાર્ટી ચૂંટણી હારી જશે તો એ વીટો વાપરીને પણ પોતાનું ધાર્યું કરશે. દરમિયાન કેલિફોર્નિયામાં 20 હજાર મતો કે જે મેઈલથી મળ્યાં છે તેને રદ્ કરવા ટ્રમ્પ સરકારે કોર્ટમાં અરજી કરી છે. અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીનું વોટિંગ શરૂ થાય તે પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે જો તેમની પાર્ટી ચૂંટણી હારી જશે તો શું થશે? ટ્રમ્પે કહ્યું હતું કે હું હારી જઈશ તો મિસ્ટર વીટો બની જઈશ, પરંતુ ડેમોક્રેટ્સનું ધાર્યું તો નહીં જ થવા દઉં. હું ડેમોક્રેટ્સને બધું બરબાદ કરવા નહીં દઉં. અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણી પહેલાં રજૂ થયેલા સર્વેક્ષણોમાં કહેવાયું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી ચૂંટણી હારી જશે. ખાસ તો અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહની તમામ બેઠકોની ચૂંટણી થઈ રહી છે. અત્યારે 435 માંથી 218 બેઠકો રિપબ્લિકન પાર્ટી પાસે હતી. 218 બેઠકોથી બહુમતી સાબિત થાય છે. વિપક્ષ ડેમોક્રેટ્સ અને ગઠબંધન પાસે 214 બેઠકો હતી. ડેમોક્રેટિક પાર્ટી આ ચૂંટણીમાં નીચલા ગૃહમાં બહુમતી મેળવી લે તેવી શક્યતા છે. બીજી તરફ સેનેટમાં 100 માંથી 53 બેઠકો રિપબ્લિકન પાર્ટી પાસે હતી ને વિપક્ષ પાસે 47 બેઠકો હતી. હવે આ સમીકરણો પણ બદલાય તેવી શક્યતા છે.
દુનિયાના અનેક દેશો સાથે ટેરિફ વોર તથા ઈરાન સામેના યુદ્ધના કારણે અમેરિકામાં મોંઘવારી આસમાને પહોંચી છે, જેથી ટ્રમ્પની લોકપ્રિયતા હાલ તળીયે છે અને ટ્રમ્પ એટલે કે રિપબ્લિકન પાર્ટી ચૂંટણી હારી જાય તેવી આશંકા છે. ચૂંટણી પરિણામો ડેમોક્રેટિક પાર્ટીની તરફેણમાં આવશે તો ટ્રમ્પના આગામી બે વર્ષ સંઘર્ષમાં વીતશે. જોકે, ટ્રમ્પે તે માટે વીટો પાવર વાપરવાની તૈયારી કરી લીધી છે. એટલું જ નહીં, જે નિર્ણયો કાયમી ધોરણે ન લઈ શકાય તેના માટે અમેરિકન પ્રમુખને કામચલાઉ નિર્ણયો લેવાની છૂટ મળે છે. ટ્રમ્પ આવા કાર્યકારી આદેશો આપીને પોતાનું ધાર્યું કરાવવાની કોશિશ કરશે. ડેમોક્રેટિક પાર્ટી હાઉસમાં ટ્રમ્પના ટેરિફના નિર્ણયોને પડકાર આપીને વોટિંગ કરાવી શકે છે, પરંતુ ટ્રમ્પના વીટો પાવર સામે લડવાનું મુશ્કેલ બનશે. વીટો સદંતર નાકામ કરવા માટે બે-તૃત્યાંશ બહુમતી જોઈએ. આ સ્થિતિ વચ્ચે આગામી બે વર્ષ અમેરિકામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે સંઘર્ષ રહેશે.
ટ્રમ્પના બીજા કાર્યકાળના પ્રથમ 18 મહિનામાં આશરે 9.8 લાખ લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા. મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર ઘૂસણખોરીમાં 95%નો ઘટાડો થયો. પરંતુ દરોડા પાડવા અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા લોકોને પણ દેશનિકાલ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. ડેમોક્રેટ્સનો આરોપ છે કે આનાથી પરિવારો વિખૂટા પડી રહ્યા છે, જ્યારે ખેતી અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં મજૂરોની અછત ઊભી થઈ શકે છે.








