સ્વીડન, બેલ્જિયમ, લક્ઝ્મબર્ગ, એસ્ટોનિયા જેવા યુરોપીય દેશોમાં સુપરમાર્કેટ્સ પર ફરીથી સાયબર અટેક કરવામાં આવ્યો છે. હેકર્સ દ્વારા ફરીથી ફ્રિજને નિશાન બનાવી તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચાડી દીધુ હતુ. યુરોપીય દેશોમાં અનેક સ્ટોરની કુલિંગ સિસ્ટમમાં અચાનક ગરબડ થવા લાગી હતી, કેટલીક જગ્યાએ ફ્રિજનું તાપમાન વધીને 50 ડિગ્રી પહોંચી ગયુ હતુ. ત્યારબાદ સાયબર હુમલો થયાનો કંપનીઓએ દાવો કર્યો હતો.
સ્વીડનની કૂપ કંપનીએ મીડિયાને જણાવ્યું હતું કે અમારા છ સ્ટોર પર આ અસર જોવા મળી હતી, કંપનીઓએ જણાવ્યું હતું કે રાત્રીના સમયે અચાનક જ તમામ ફ્રીઝરના તાપમાનમાં મોટો ફેરફાર થયો હતો, અને ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ પહેલા પણ ફ્રાન્સમાં આ જ પ્રકારના હુમલા થઇ ચુક્યા છે જેમાં અનેક સુપરમાર્કેટના હજારો ફ્રિજને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ્રિજ પર સામૂહિક સાઇબર હુમલાની આ બીજી ઘટના છે.
બેલ્જિયમમાં અનેક સુપરમાર્કેટના ફ્રિજનું તાપમાન 70 ડિગ્રી સુધી પહોંચી ગયું. તેના કારણે દુકાનોમાં રાખવામાં આવેલો ખોરાક બગડી ગયો અને લાખો યુરોની વસ્તુઓ ફેંકવી પડી. બેલ્જિયમના અખબાર ‘લે સોઇર’ અનુસાર, ડેલહાઇઝના આશરે 40, કેરેફોરના 15, ઇન્ટરમાર્ચેના 15 અને સ્પારના 5 સ્ટોર પ્રભાવિત થયા. એક મીટ કંપની અને મોન્સ શહેર પાસે આવેલા આઇકિયાના સ્ટોરની ફ્રિજ સિસ્ટમ પર પણ અસર પડી. બેલ્જિયમના સાયબર સિક્યુરિટી સેન્ટરે હુમલાની પુષ્ટિ કરી છે. ડેલહાઇઝના પ્રવક્તાએ જણાવ્યું કે અનેક સ્ટોરની ફ્રિજ સિસ્ટમમાં ખામી મળી હતી. કંપનીએ દુકાનો ખુલ્લી રહી શકે તે માટે તરત જ જરૂરી પગલાં લીધાં. કેરેફોરે પણ સાયબર હુમલાની પુષ્ટિ કરી, પરંતુ કહ્યું કે નુકસાન વધુ થયું નથી.
આયર્લેન્ડની સુપરમાર્કેટ ચેન સુપરવેલ્યુના 223 સ્ટોરમાંથી 13ના ફ્રિજ સિસ્ટમ પર હુમલો થયો. કંપનીએ આ ફ્રિજમાં રાખેલા ઠંડા અને જમાવેલા ખાદ્યપદાર્થોને વેચાણમાંથી હટાવી દીધા. એસ્ટોનિયામાં સેલ્વર સુપરમાર્કેટનો એક સ્ટોર પ્રભાવિત થયો. ત્યાં ફ્રિજનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. નેધરલેન્ડ્સમાં ઓછામાં ઓછી 17 કંપનીઓના ફ્રિજ અને ફ્રીઝરને નિશાન બનાવવામાં આવ્યા. જોકે, આ કંપનીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી. લક્ઝમબર્ગમાં ડેલહાઇઝે સાવચેતીના પગલારૂપે પોતાની ઓર્ડર સિસ્ટમ બંધ કરી દીધી. ફિનલેન્ડના મીડિયા અનુસાર, ત્યાંના કેટલાક કે-ગ્રુપ સુપરમાર્કેટ પણ પ્રભાવિત થયા.
આજકાલ સુપરમાર્કેટના ફ્રિજ અને ફ્રીઝરને ઇન્ટરનેટ દ્વારા દૂર બેઠા નિયંત્રિત કરી શકાય છે. આ કારણે તેમાં ખામી સર્જાય અથવા હેક થઈ જાય તો દુકાનોનો આખો માલસામાન બગડી શકે છે. યુરોપિયન કમિશનના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે સાઇબર હુમલાની અસર માત્ર કંપનીઓ પર જ નહીં, પરંતુ સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પણ પડી શકે છે. હાલમાં કોઈ હેકર જૂથે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી નથી. ફ્રાન્સમાં ગયા મહિને થયેલા હુમલાઓ પાછળ કોણ હતું, તે પણ જાણી શકાયું નથી.
સુપરમાર્કેટનાં ફ્રીઝર અને ચિલરનું તાપમાન નિયંત્રિત કરવા માટે ખાસ કન્ટ્રોલરનો ઉપયોગ થાય છે. આ નાનકડું કમ્પ્યુટર ફ્રીઝરનું તાપમાન જાળવી રાખે છે. પહેલાં આ સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી હતી કે ટેક્નિશિયન સ્ટોર પર જઈને તેમાં ફેરફાર કરી શકે. જોકે, હવે અનેક રિટેલ કંપનીઓએ તેને ઇન્ટરનેટ સાથે જોડી દીધી છે, જેથી દૂરથી પણ તાપમાનનું નિયંત્રણ કરી શકાય. સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી અનેક સિસ્ટમ જૂના સોફ્ટવેર અને નબળા પાસવર્ડ પર ચાલી રહી છે. કેટલીક સિસ્ટમ સ્ટોરના આંતરિક નેટવર્ક સુધી મર્યાદિત રહેવાને બદલે ખુલ્લા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પરિણામે હેકર્સ સરળતાથી તેને શોધી શકે છે. ફ્રાન્સમાં થયેલા હુમલાથી અસરગ્રસ્ત મોટાભાગની સિસ્ટમ જૂના મોડલની હતી, જેને હવે સોફ્ટવેર અપડેટ મળતા નથી. આવી ખામીઓ દૂર કરવા માટે સુરક્ષા અપડેટ ઉપલબ્ધ ન હોવાથી તેને હેક કરવાનું વધુ સરળ બને છે.
આ હુમલાઓમાં અત્યાર સુધી હેકર્સે પૈસાની માગ કરી નથી. સામાન્ય રીતે આવા સાયબર હુમલા ખંડણી, રાજકીય હેતુ અથવા કોઈ દેશના ઇશારે કરવામાં આવે છે. જોકે, આ કિસ્સામાં નાણાંની માગ ન થતાં નિષ્ણાતો તેને તોડફોડની પ્રવૃત્તિ માની રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, સુપરમાર્કેટ્સમાં ફ્રીઝર કન્ટ્રોલર, બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, દરવાજાના લોક અને પેમેન્ટ સિસ્ટમ સહિત અનેક ઉપકરણો હોય છે. આથી રિટેલ ચેઇન હેકર્સ માટે સરળ નિશાન બની શકે છે. યુરોપિયન યુનિયનના કૃષિ કમિશનર ક્રિસ્ટોફ હેન્સને આ ઘટનાઓને ખાદ્ય પુરવઠાની વ્યવસ્થાને ખોરવવાનો અને ગ્રાહકોનો વિશ્વાસ નબળો પાડવાનો જાણીજોઈને કરાયેલો પ્રયાસ ગણાવ્યો છે.









