અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ઈરાને ભારત સહિત ચાર દેશોને હોર્મૂઝમાંથી જહાજોની અવર-જવર કરવાની છૂટ આપી છે. આ ચાર દેશોમાં ભારત સહિત ચીન, ઈરાક અને કતાર પણ સામેલ છે.
ઈરાનની સંસદની સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે ઈરાની મીડિયાને જણાવ્યુ છે કે આ ચાર દેશના જહાજને હોર્મૂઝના દરિયાઈ માર્ગેથી જહાજોની અવર-જવર કરવા દેવાની છૂટ અપાઈ છે. તેમણે કહ્યુ છે કે હાલમાં ભારત, ચીન, ઈરાક અને કતારને ફાયદો થશે. તેમના જહાજને કોઈ રોક-ટોક કરવામાં નહી આવે. અમેરિકા પણ એમના જહાજોને રોકતુ નથી.
હયાતે કહ્યું કે અમારી આ છૂટ ઈરાન અને ચારેય દેશો વચ્ચેના પરસ્પર હિત દર્શાવે છે. અમારી તરફથી ભારતીય જહાજોને અવર-જવરમાં મદદ કરવામાં આવી રહી છે જેથી ઈરાન ભારતથી દવાઓની આયાત વધારી શકે. જ્યારે ચીનના જહાજોને આ છૂટ બેઈજિંગનું રાજકીય સમર્થન મેળવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.
જોકે ઈરાન ભારત અને ચીનના જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલે છે પરંતુ કતારના જહાજોને કોઈપણ પ્રકારના ચાર્જ વિના જવા દે છે. હતાયે એ સ્પષ્ટ ન કર્યું કે ઇરાકના જહાજોએ આ ટ્રાન્ઝિટ ચાર્જ ચૂકવવો પડે છે કે નહીં? ઉલ્લેખનીય છે કે હોર્મુઝ દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ શિપિંગ રુટ પૈકી એક છે. એના માધ્યમથી જ ગલ્ફ દેશોથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી ભારે માત્રામાં ઓઈલ અને ગેસનો સપ્લાય થાય છે.









