બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાને લોરેન્સ ગેંગ તરફથી ધમકી મળી છે. એક ઓડિયો મેસેજ મોકલીને ધમકી આપવામાં આવી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. તેણે એક્ટર પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે અને હાલ આ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. જો કે આ કેસમાં અત્યાર સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી.
ઓડિયોક્લિપની તપાસ દરમિયાન પોલીસને મળેલી ઓડિયો ક્લિપના અવાજનો મેળ એવા આરોપીના અવાજ સાથે કરવામાં આવી રહ્યો છે જેનું નામ અગાઉથી પોલીસ રેકોર્ડમાં નોંધાયેલુ છે. આ આરોપીનો સંબંધ મેસેજ મોકલનાર વ્યક્તિએ જણાવેલી ઓળખ સાથે હોઈ શકે છે.
તાજેતરમાં જ એક્ટર તુષાર કપૂરને પણ ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો. જેમાં મેસેજ મોકલનારે પોતાને હેરી બૉક્સર ગણાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઓડિયો ક્લિપ બનાવટી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તુષાર કપૂરે આ અંગેની માહિતી મુંબઈ પોલીસને આપી હતી. ત્યારબાદ તપાસ એન્ટી-એક્સટોર્શન સેલ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમે ધમકીભર્યા કોલની ઑડિયો રેકોર્ડિંગની તપાસ કરી. ત્યારબાદ અવાજનો મેળ હેરી બોક્સરના સત્તાવાર ઑડિયો સેમ્પલ સાથે કરવામાં આવ્યો. પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મુજબ, બંને અવાજો એકબીજા સાથે મેળ ખાતા નથી. આથી પોલીસને શંકા છે કે આ ફર્જી કોલ હતો. કોઈએ ગેંગનું નામ લઈને ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લૉરેન્સ ગેંગના સાગરીત હેરી બોક્સર પર બોલિવૂડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોને ધમકી આપવાના આરોપો છે. તેમાં સૌથી પ્રમુખ નામ ‘ધુરંધર’ એક્ટર રણવીર સિંહનું છે. હેરીએ રણવીરના મેનેજરને વૉઇસ નોટ મોકલીને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. રકમ નહીં આપવા પર રણવીર અને તેના સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.











