રામાનંદ સાગર રામાયણમાં લવ-કુશનો એપિસોડ બનાવી ફસાઈ ગયા હતા

દૂરદર્શનમાં 1987થી 1988 દરમિયાન પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’ ભારતીય ટેલિવિઝન ઇતિહાસ સર્જી દીધો હતો. ઘરે-ઘરે આ રામાયણ જોવા માટે લોકો એકઠા થતા હતા. રામાયણે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ્સ તોડી નાંખ્યા હતા. પરંતુ લવ-કુશના એપિસોડ બનાવવા માટે ભારે મહેનત અને બાદમાં રામાનંદ સાગરને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેની પાછળ એક રસપ્રદ કહાની જોડાયેલી છે. આ એપિસોડના પ્રસારણ અને તેમાં દર્શાવવામાં આવેલા સીનને કારણે નિર્માતા રામાનંદ સાગર મુશ્કેલીમાં મૂકાયા હતા અને તેમની સામે લગભગ 10 વર્ષ સુધી કોર્ટ કેસ ચાલ્યો હતો.

રામાનંદ સાગર તુલસીદાસ રચિત રામચરિતમાનસના આધારે રામાયણ સિરિયલ બનાવી રહ્યા હતા અને તે જ રીતે તેનો અંત કરવા માંગતા હતા. રામાયણના 78 એપિસોડ પૂરા થયા બાદ સરકાર અને દૂરદર્શન પર ‘લવ-કુશ’ની કહાની બતાવવા માટે ભારે દબાણ વધવા લાગ્યું હતું. વાલ્મીકી સમાજની સતત માંગ હતી કે વાલ્મીકી રામાયણના આધારે સમગ્ર ઇતિહાસ દર્શાવવામાં આવે. તે સમયે રામાનંદ સાગર લવ-કુશની કહાનીનો એપિસોડ બનાવવા માટે રાજી નહોતા. કારણ કે તેઓ પોતે એ વાત નહોતા સ્વીકારી શકતા કે સ્વંય ભગવાન રામ ગર્ભવતી પત્નીને માત્ર એક ધોબીના કહેવાથી વનવાસ મોકલી દે, સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી ફોન અને દબાણ આવ્યા બાદ આ ભાગ બનાવવાની ફરજ પડી હતી.

રામાનંદ સાગરે ગાઢ સંશોધન કરીને રાધેશ્યામ રચિત રામાયણનું સંસ્કરણ શોધી કાઢ્યું હતું. તે મુજબ, એપિસોડમાં એવું દર્શાવવામાં આવ્યું કે ભગવાન રામે સીતાજીને વનવાસમાં જવા કહ્યું ન હતું, પરંતુ પતિના માન-સન્માન અને મર્યાદા જાળવવા માટે માતા સીતાએ પોતે જ સ્વેચ્છાએ અયોધ્યા છોડવાનો નિર્ણય કર્યો હતો.  

જ્યારે આ એપિસોડનું શૂટિંગ થઈ ગયું અને ટેલિકાસ્ટ કરવાનો સમય આવ્યો, ત્યારે તેના પ્રસારણ પર રોક લગાવવા માટે દબાણો થયા હતા. પ્રસારણના એક કલાક અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ રામાનંદ સાગર પોતે હાજર હોવાથી એપિસોડનું પ્રસારણ સફળતાપૂર્વક થઈ ગયું હતું. જો કે, ટીવી પર એપિસોડ પ્રસારિત થતાં જ દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો હતો અને લોકોએ સવાલ ઉઠાવ્યો કે રામાયણની મૂળ કથા સાથે છેડછાડ કેમ કરવામાં આવી છે? આ જ વિવાદ અને આક્ષેપોના પગલે રામાનંદ સાગર સામે અલાહાબાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે કાનૂની લડાઈ લગભગ 10 વર્ષ સુધી લાંબી ચાલી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment