Trump on Inda-Pak War: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવ્યુ હોવાની શેખી મારી છે. ફ્લોરિડામાં ચૂંટણી સભા સંબોધન કરતા સમયે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પનું કહેવુ છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ તેમના પ્રયાસોથી અટક્યુ હતુ. ચેતવણી આપ્યા બાદ બંને દેશોએ ગોળીબાર અટકાવી દીધો હોવાની શેખી મારી હતી.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની શેખચલ્લી સમાન વાતો સૌ કોઈ જાણે છે. ફ્લોરિડામાં ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ તેમણે અટકાવ્યુ હતુ. તેમણે એ પણ દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાન બંને દેશો પરમાણુ શસ્ત્રધારી છે. તેમના પર 250 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી, તે બાદ બંને દેશોએ હથિયાર મુકી દીધા હતા. તેમની આ ધમકીથી બંને દેશો ખૂબ નારાજ થયા હતા તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે વધુમાં જણાવ્યુ હતુ કે યુદ્ધ દરમિયાન 11 વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા, મારા પ્રયાસોથી યુદ્ધ અટક્યુ હતુ, આ મારા માટે સન્માનની વાત છે.
જવાબમાં ભારતે ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા છે. ભારત હંમેશા પાકિસ્તાન સામેની લડાઈમાં ત્રીજા પક્ષની મધ્યસ્થીને નકારતુ આવ્યુ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન લશ્કરી કાર્યવાહી રોકવા માટે સહમતી ત્યારે જ બની હતી જ્યારે પાકિસ્તાન તરફથી ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે સંપર્ક કર્યો હતો અને હુમલા ન કરવા માટે વિનંતી કરી હતી. ભારતે 11 વિમાન તોડી પાડ્યાના અને ત્રીજા દેશના દખલના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.
ઓપરેશન સિંદૂર ભારતે 7 મેના રોજ શરૂ કર્યુ હતુ. 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર લૉન્ચ કરાયુ હતુ. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાન અને PoK માં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવાનો હતો. 10 મેના રોજ પાકિસ્તાન તરફથી ઔપચારિક વિનંતી કરવામાં આવ્યા બાદ સેનાએ કાર્યવાહી રોકી હતી.









