World debt: સમગ્ર વિશ્વના દેશ અને પરિવારો 34,675 લાખ કરોડના દેવા હેઠળ દબાયેલા છે. વિકસિત દેશોનું વાર્ષિક સરકારી આર્થિક બોન્ડનું વ્યાજ 313.5 લાખ કરોડ રૂપિયા છે. વ્યાજ પાછળ જંગી રકમ ખર્ચાતી હોવાથી સરકારો પ્રાથમિક સુવિધાઓ વધારવા પાછળ પૂરતુ ધ્યાન આપતી નથી. જેના કારણે યુરોપના દેશમાં સરકાર સામે પ્રદર્શનો શરૂ થયા છે.
ટેક્સ સિવાય પણ સરકારો જ્યારે રસ્તા, રેલવે, હોસ્પિટલ કે સંરક્ષણ પાછળ ખર્ચો કરવા ઈચ્છે છે ત્યારે સરકારી બોન્ડ બહાર પાડીને બેન્કો, વીમા કંપનીઓ અને સામાન્ય રોકાણકારો પાસેથી દેવુ લે છે. ઘણી વખત જૂનુ દેવુ ચૂકવવા માટે પણ સરકારને નવુ દેવુ ખરીદવુ પડે છે. જ્યારે બજારમાં બોન્ડની કિંમત ઘટે છે ત્યારે તેના પર વળતર વધી જાય છે, જેનાથી સરકાર માટે નવુ દેવુ લેવુ હોય તો તે પ્રક્રિયા મોંઘી અને ખર્ચાળ બની રહે છે. પરિણામે સરકારની આવકનો મોટો હિસ્સો માત્ર વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જાય છે અને જેના પરિણામે પ્રજાલક્ષી કામકાજો ખોરંભે ચઢી જાય છે. જેમ સામાન્ય પરિવારમાં હોમ લોનના વ્યાજ વધતાં EMIનો બોજ વધે છે, તેવું જ સરકાર સાથે બને છે. હાલ ફ્રાન્સના 10 વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ (વળતરનો દર) વધીને લગભગ 5% પહોંચી ગઈ છે, જ્યારે જર્મનીમાં તે 3.41% છે, એટલે કે ફ્રાન્સને દેવું મેળવવા ભારે વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે.
કોના માથે કેટલુ દેવુ ?
- અમેરિકા: 41.4 ટ્રિલિયન ડોલર (આશરે 3,933 લાખ કરોડ રૂપિયા)
- ચીન: 22.5 ટ્રિલિયન ડોલર (આશરે 2,137.5 લાખ કરોડ રૂપિયા)
- જાપાન: 8.7 ટ્રિલિયન ડોલર (આશરે 826.5 લાખ કરોડ રૂપિયા)
- બ્રિટન: 4.4 ટ્રિલિયન ડોલર (આશરે 418 લાખ કરોડ રૂપિયા)
- ફ્રાન્સ: 4.2 ટ્રિલિયન ડોલર (આશરે 399 લાખ કરોડ રૂપિયા)
- ઇટાલી: 3.7 ટ્રિલિયન ડોલર (આશરે 351.5 લાખ કરોડ રૂપિયા)
- જર્મની: 3.5 ટ્રિલિયન ડોલર (આશરે 332.5 લાખ કરોડ રૂપિયા)
- ભારત: 3.4 ટ્રિલિયન ડોલર (આશરે 323 લાખ કરોડ રૂપિયા)
- કેનેડા: 2.9 ટ્રિલિયન ડોલર (આશરે 275.5 લાખ કરોડ રૂપિયા)
IMFના 2026ના અંદાજ મુજબ, ભારતનું કુલ સરકારી દેવું દેશના જીડીપી (GDP)ના 83.4% જેટલું છે. જોકે વધુ દેવું હોવાનો અર્થ સીધો આર્થિક સંકટ નથી થતો. જાપાન પર તેનું દેવું જીડીપીના 199%, અમેરિકા પર 127% અને ફ્રાન્સ પર 118% છે. કોઈ પણ દેશની નાણાકીય સ્થિતિ માત્ર દેવાના આંકડા પરથી નહીં, પરંતુ તેની વ્યાજ ચૂકવવાની ક્ષમતા, આવક વૃદ્ધિ અને અર્થતંત્રની મજબૂતીના આધારે નક્કી થાય છે.









