ફિલિપાઈન્સમાં 23 ઓક્ટોબરે ફિલિપાઈન્સ એરફોર્સના બે વિમાન આમને-સામને ટકરાયા હતા. જેમાં ચારના મોતના અહેવાલો સામે આવી રહ્યા છે. બે વિમાનો પરસ્પર ટકરાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હવામાં ટ્રેનિંગ દરમિયાન આ ઘટના બનતા ચાર પાયલટના મોત થયા છે.
આ ઘટનાની પુષ્ટી કરતાં પીએએફએ ગાઢ શૉક વ્યક્ત કર્યો હતો અને રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે રવાના કરી હતી. આ સાથે પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં તેમની સુરક્ષા અને સહાય વિશે પ્રાથમિકતા વ્યક્ત કીર હતી. હાલમાં એસએફ-260 વિમાનોને સાવચેતીપૂર્વક ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યા છે. તપાસ પણ ચાલી રહી છે.
ઘટના ટ્રેનિંગ દરમિયાન બની હતી. વિમાનો પરસ્પર ટકરાયા બાદ કાટમાળ બેઝમાં જ પડતા સ્થાનિક આસપાસના નાગરિકોને કોઈ નુકસાન થયુ ન હતુ. SF-260 વિમાનો કોઈ ભારે જેટ નહી પરંતુ હલકા ટ્રેનર અને લાઈટ અટેક વિમાનો છે. તેની ડિઝાઈન અને બનાવટ ઈટલીમાં થઈ છે. ઈટાલિયન એન્જિનિયર સ્ટેલિયો ફ્રાટીએ 1960માં તેની ડિઝાઈન તૈયાર કરી હતી. આ વિમાનોએ સૌ પ્રથમ ઉડાન 15 જૂલાઈ 1964ના રોજ ભરી હતી. ઘણા દેશના એરફોર્સ આ પ્રકારના લાઈટ અટેક વિમાનોનો ટ્રેનિંગ માટે ઉપયોગ કરે છે.
ફિલિપાઈન્સની એરફોર્સ પણ લાંબા સમયથી આ વિમાનોનો જ ઉપયોગ કરી રહી છે. 2017માં મરાવી સિટીમાં ઓપરેશન દરમિયાન આ જ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના વિમાન વિકાસશીલ દેશોના એરફોર્સ વધારે પડતા ઉપયોગમાં લે છે.2023માં પણ એક ટ્રેનિંગ દરમિયાન બે પાયલટના મોત થયા હતા. આ ઘટના અંગે ફિલિપાઈન્સ એરફોર્સ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. હવામાન, પાયલટની ભૂમિકા, ટેક્નિકલ ક્ષતિ અથવા કમ્યુનિકેશનમાં ગરબડી, તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવશે.








