France-Paris Protest: યુરોપમાં મોંઘવારીની સમસ્યા વિકટ બની છે. વિકસિત દેશો મોંઘવારીની માયાજાળ હેઠળ આવી ગયા છે. જેના કારણે ત્યાંના સ્થાનિકોને ભોગ બનવુ પડી રહ્યુ છે. અસહ્ય બની રહેતા સ્થાનિકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. ફ્રાન્સ, ઈટાલી, જેવા દેશોમાં રોજબરોજ વિરોધ પ્રદર્શનો હવે સામાન્ય વાત બની ગઈ છે. ફ્રાન્સના પેરિસ શહેરમાં શનિવારે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોંઘવારી, શિક્ષકોની અછત, કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈ સખત વિરોધ નોધાવ્યો હતો.
પોલીસે પેરિસમાં પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. વોટર કેનનનો ઉપયોગ કરીને પોલીસે પ્રદર્શનકારીઓને દૂર ધકેલ્યા હતા. પેરિસમાંથી જ ગઈ કાલે 65 લોકોની વિરોધ પ્રદર્શનો બદલ અટકાયત કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર ફ્રાન્સમાંથી 135 લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા હતા.
ફ્રાન્સમાં હિંસા અને લૂંટફાટ રોકવા માટે દેશભરમાં લગભગ 70 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમની સાથે પોલીસની વિશેષ ટીમો, લગભગ 20 બખ્તરબંધ વાહનો અને પાણીનો મારો કરનારા 15 વાહનો પણ તૈનાત રહેશે.
શનિવારે હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન લાખો લોકોએ દુકાનોમાં તોડફોડ મચાવી દીધી હતી. લૂંટફાટ અને વાહનોને આગચંપી પણ કરવામાં આવી હતી. ફ્રાન્સમાં બદલતી વિકટ સ્થિતિને ધ્યાને લઈને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પેરિસનું લૂવ્ર મ્યુઝિયમ બંધ રહેશે, જ્યારે પેરિસ સેન્ટ-જર્મેન અને લિયોન વચ્ચેની ફૂટબોલ મેચ પણ મુલતવી રાખવામાં આવી છે.
એક મહિનાથી વધુ સમય પહેલાં શાળાઓની સ્થિતિને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિ ઈમાન્યુઅલ મેક્રોને પ્રથમ સીધી બેઠક યોજી હતી. મેક્રોને કહ્યું હતું કે સપ્તાહના અંત દરમિયાન માત્ર મજૂર સંગઠનોના પ્રદર્શનોને મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થી સંગઠનો નારાજ છે. ફ્રાન્સના પ્રમુખ વિદ્યાર્થી સંગઠન UNEFએ આજે રેલી યોજવાની જાહેરાત કરી છે. સંગઠને કહ્યું કે મેક્રોન લોકોને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છીનવી રહ્યા છે. તેણે સ્પષ્ટ કર્યું કે પ્રતિબંધ છતાં રેલી યોજવામાં આવશે.
ગયા સપ્તાહના અંતે ફ્રાન્સમાં ઓછામાં ઓછી 3,000 દુકાનોને નુકસાન પહોંચ્યું અથવા ત્યાં લૂંટફાટ થઈ. વેપારીઓના સંગઠનનું કહેવું છે કે આ કારણે કરોડો ડોલરનું નુકસાન થયું છે. પેરિસમાં સુપરમાર્કેટ, ઇલેક્ટ્રોનિક્સની દુકાનો, બેંકો અને મોંઘી બ્રાન્ડના શોરૂમને નિશાન બનાવવામાં આવ્યા. બોર્ડોમાં પણ ઘણી દુકાનોમાં તોડફોડ થઈ. ઉપદ્રવીઓએ વાહનોમાં આગ લગાવી, રસ્તાઓ પર બેરિકેડ બનાવ્યા અને બસ સ્ટોપ જેવી જાહેર સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું. મધ્ય ફ્રાન્સના લિમોજ શહેરમાં 19મી સદીની ઐતિહાસિક ટાઉન હોલની ઇમારતને પણ નુકસાન પહોંચ્યું. વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂએ હિંસાથી અસરગ્રસ્ત વેપારીઓને કરમાં રાહત અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.










