Threat to Salman Khan: હજુ બોલીવુડ ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના ખૌફમાંથી બહાર નથી આવ્યુ ત્યાં તો ફાયરિંગની જવાબદારી લેનાર અનિલ પંડિતે ઓડિયો ક્લિપ વાયરલ કરીને દબંગ ખાનને ધમકી આપી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ સંબંધિત એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે, જેમાં સલમાન ખાનને ધમકી આપવામાં આવી છે. સુપરસ્ટાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી માંગવા માટે કહેવામાં આવ્યુ છે.
અનિલ પંડિતે કોઈને પણ ન બક્ષવાની ધમકી આપી
વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં અનિલ પંડિતે કહ્યુ છે કે “સલમાન ખાન ધ્યાનથી સાંભળી લે, જો તુ મારા ભાઈ લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી નહી માંગે, તો અમે તારા ઘરમાં એક કૂતરાને પણ નહી છોડીએ, અમે તારા સમગ્ર પરિવારને બદનામ કરી દઈશુ. એવુ ન વિચારતો કે તુ સુરક્ષામાં છે એટલે તારુ કંઈ નહી થાય.”
ટાઈગર શ્રોફ પર રવિવારે સાંજે હુમલો
બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં રવિવારે સાંજે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને હુમલો કર્યો છે. બાઈક પર આવેલા શખ્સોએ BMW કાર પર ફાયરિંગ કર્યુ હતુ, જેમાં ટાઈગરના ડ્રાઈવર અને અન્ય એક યુવકને ઈજા પહોંચી હતી, ટાઈગર ગન પાવડરના કારણે દાઝી ગયા હતા. કારના કાચ તૂટવાને કારણે ટાઈગરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટાઈગર શ્રોફ ગોળી વાગવાથી બચી ગયો હતો.
જે કોઈ સલમાન સાથે કામ કરશે તેનો નંબર હશે તેવી ધમકી
ઘટના બાદ અનિલ પંડિત અને હરમાન સંધૂ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. તેણે દાવો કર્યો હતો કે ટાઇગર શ્રોફને સલમાન ખાન સાથે કામ ન કરવા માટે પહેલા ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેણે આ વાતને અવગણી હતી. પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, ‘મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે કોઈ અમારું નહીં સાંભળે અથવા સલમાન ખાન સાથે કામ કરશે, આગામી નંબર તેનો હશે.’
મુંબઈ પોલીસ દ્વારા તપાસ શરૂ
કથિત વાયરલ ઓડિયો ક્લિપને લઈને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. ઓડિયોની સત્યાર્થતા અંગે પણ ચકાસણી કરી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ 15 ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. સલમાન ખાન અને તેના ઘરની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.










