ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા શૂટર્સ ઝડપાયા

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને કલાકોમાં જ મોટી સફળતા હાથ લાગી છે. શૂટર્સ ભાગે તે પહેલા જ જાળ પાથરીને ઝડપી લેવામાં આવ્યા છે. મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરીને ટ્રેનમાં ભાગી રહેલા શૂટર્સને પોલીસે રાજસ્થાનના કોટાથી પકડી પાડ્યા છે. મુંબઈ પોલીસ પાસેથી ગુપ્ત માહિતી મળતા જ કોટા એસપી તેજસ્વિની ગૌતમના જણાવ્યા અનુસાર સાયબર સેલ અને ડીએસપીની ટીમે માત્ર 15 મિનિટમાં જ ટ્રેનને ઘેરી લીધી હતી અને ત્રણે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓની તપાસ દરમિયાન નેપાળ ભાગવાના હોવાનો પણ ખુલાસો થયો હતો, પરંતુ નેપાળ ભાગે તે પહેલા જ તેમને દબોચી લેવામાં આવ્યા છે.

પોલીસે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં રેહાન (સોનિપત), હૃતિક કુર્મી ઉર્ફે રોશન (બિહાર) અને એક સગીર (નાબાલિક) સામેલ છે. પોલીસ પૂછપરછમાં એ વાત સામે આવી છે કે આ સમગ્ર વારદાતનો મુખ્ય આરોપી રેહાન હતો, જેનો સંપર્ક અનિલ પંડિત સાથે થયો હતો. આ ત્રણેય આરોપીઓ ઘટનાને અંજામ આપીને તાત્કાલિક ફરાર થઈ ગયા હતા અને પૂણે-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. હાલ તેમની પાસેથી કોઈ હથિયાર જપ્ત થયા નથી, પરંતુ પોલીસ હથિયારો ક્યાં છુપાવ્યા છે તે અંગે પૂછપરછ કરી રહી છે.

કોટા પોલીસે જણાવ્યુ હતુ કે મુંબઈ પોલીસે આપેલા ચોક્કસ ઈનપુટના આધારે આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી. ટૂંક સમયમાં તમામ આરોપીઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. આ હુમલા પાછળ મોટા નેટવર્કનો પણ પર્દાફાશ થઈ શકે છે.

18 ઓક્ટોબરે મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અભિનેતા સુરક્ષિત છે, તેના ડ્રાઈવર અને અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ અનિલ પંડિત અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર ધમકીઓ પણ આપવામાં આવી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment