અભિનેતા ટાઈગર શ્રોફ પર બિશ્નોઈ ગેંગ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ

Tiger Shroff Shooting Incident: બોલીવુડ અભિનેતા જેકી શ્રોફના પુત્ર અને અભિનેતા ટાઈગર શ્રોફ પર રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ટાઈગર શ્રોફને ગન પાવડરથી સામાન્ય ઈજા થઈ છે, જ્યારે તેનો ડ્રાઈવર ફિરદોસ અને અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયા છે. બનાવ બન્યાના થોડા જ સમયમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ઓડિયો ક્લિપ જાહેર કરીને હુમલાની જવાબદારી લેવામાં આવી હતી.

રવિવારે સાંજના સમયે ટાઈગર શ્રોફ બર્થ ડે પાર્ટીમાં હાજરી આપ્યા બાદ BMW કારમાં પરત નિવાસસ્થાને જઈ રહ્યો હતો, ત્યારે ચાહકો ટાઈગર શ્રોફની ફોટોગ્રાફી કરી રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ અચાનક ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધુ હતુ અને ફિલ્મી સ્ટાઈલમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને પલાયન થઈ ગયા હતા. રાતે જ સાંતાક્રુઝ વિસ્તારમાંથી એક શકમંદની અટકાયત કરી દેવામાં આવી હતી, પરંતુ તેના વિશે પોલીસે વધુ વિગત જાહેર કરી નથી. ફાયરિંગ થયાના થોડા સમયમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી, કથિત ઓડિયો ક્લિપમાં ટાઈગર શ્રોફને સમજાવવાની વાત હતી.

ફાયરિંગની બાદ ટાઈગર શ્રોફ અને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. થોડા સમય માટે સૌ કોઈ થરથરી ઉઠ્યા હતા. ટાઈગર શ્રોફના ડ્રાઈવર ફિરદોસ અને અન્ય એક ચાહક યુવકને ગોળી વાગ્યાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે. ડ્રાઈવર ફિરદોસ ઘાયલ થતા ટાઈગરે તાત્કાલિક કારના સ્ટિયરિંગ પર કાબુ મેળવી લીધો હતો અને જોતજોતામાં ઘટનાસ્થળેથી રવાના થઈ ગયા હતા. હુમલા બાદ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી, જ્યારે કેટલાક લોકોએ ટાઈગર સુરક્ષિત હોવાની પણ ખાતરી કરી હતી. ટાઈગર શ્રોફને કારનો કાચ વાગ્યો હતો અને ગન પાવડરના કારણે દાઝી ગયા હતા, તેમના પિતા અભિનેતા જેકી શ્રોફની ટીમ તરફથી ટાઈગર સુરક્ષિત હોવાની બાદમાં જાણકારી આપવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા મુંબઈના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નાકાબંધી કરી દીધી હતી. CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કરવાના આદેશ પણ અપાઈ ગયા હતા, પોલીસે રાતે જ સાંતાક્રુઝ વિસ્તારમાંથી એક શકમંદની પણ અટકાયત કરી હતી. હુમલાના થોડા સમય બાદ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરાયો હતો, તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે ટાઈગર શ્રોફને અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હતી, પરંતુ અવગણના કરતા આ હુમલો કરાયો છે.

ફાયરિંગની ઘટના બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી સાથે વાત કરી હતી અને બનાવની વિગતો મેળવી આરોપી ઝડપથી પકડાઈ જાય તે માટે ટીમો દોડાવવાની સૂચના આપી હતી. ઘટનાની ગંભીરતાને જોતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ટાઈગર શ્રોફના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને અભિનેતા સાથે મુલાકાત બાદ જણાવ્યુ હતુ કે ટાઈગરના જમણા હાથે ગન પાવડરના કારણે દાઝી જવાના નિશાન છે. ટાઈગર શ્રોફ અને તેમનો પરિવાર આ ફાયરિંગની ઘટનાથી ચિંતિત છે કારણ કે શ્રોફ પરિવારની કોઈની સાથે દુશ્મનાવટ પણ નથી. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે બઈમાં 1990ના દાયકાના ગેંગવોરને ફરીથી પાછું નહીં આવવા દઈએ. મુંબઈમાં કોઈને પણ ડરાવવા, ધમકાવવા કે ગુંડાગીરી કરવાની છૂટ આપવામાં આવશે નહીં અને દોષિતોને કોઈપણ ભોગે બક્ષવામાં નહીં આવે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને કેન્દ્રમાં રાખીને બોલીવુડના અનેક કલાકારોને નિશાન બનાવ્યા છે. મનોરંજન ઉદ્યોગમાં ફિલ્મી સેલિબ્રિટિસ પર હુમલાની ઘટના ઉત્તરોત્તર વધતી જાય છે. બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાન તેમજ રોહિત શેટ્ટી પર હુમલા બાદ ટાઈગર શ્રોફ પર હુમલાથી બોલીવુડમાં હાલ તો ખળભળાટ મચી ગયો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment