Bihar Fireworks Factory Blast: ગીચ વસ્તીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે, આ ઘટના છે બિહારના સિવાન જિલ્લાની. જ્યાં બ્લાસ્ટમાં પતિ-પત્ની અને પુત્રી સહિત એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. બ્લાસ્ટની આ ઘટનામાં અત્યાર સુધી 7ના કરૂણ મોત થયા છે. મૃતકોમાં ફટાકડા ફેક્ટરીના માલિક અમીરુદ્દીન ઉપરાંત કલ્લૂ, અસરફ, મુસ્કાન અને ખુશ્બૂ નો સમાવેશ થાય છે. મૃતદેહો એટલા ક્ષત-વિક્ષત હાલતમાં, કેટલાક તો માત્ર ટુકડા સ્વરૂપે મળતા ખળભળાટ મચી ગયો છે.
જામો પોલીસ સ્ટેશન વિસ્તારના અલમાપુર ગામના મકાનમાં ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. જ્યાં ફટાકડા બનાવવામાં આવતા હતા, ત્યાં અચાનક વિસ્ફોટ થતા આખુ મકાન ક્ષણભરમાં તો ઉડી ગયુ હતુ અને 7ના પ્રાણ પંખેરૂ જતા રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દોઢ કલાક સુધી રહી રહીને વિસ્ફોટ થતા હતા.
સિવાનના SP ભરત સોનીએ જણાવ્યુ હતુ કે 20 વર્ષ પહેલા ફટાકડા બનાવવાનું લાયસન્સ લેવામાં આવ્યુ હતુ. હાલમાં લાયસન્સ માન્ય છે કે નહી તે અંગે તપાસ ચાલી રહી છે. મૃતદેહના ટુકડાઓના કારણે અત્યાર સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. જે મકાનમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા તે મકાન ગીચ વસ્તીમાં આવેલુ હતુ.
આલમાપુર નિવાસી મોહમ્મદ અમીરુદ્દીન મિયાંના મકાનમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડામાં આગ લાગી ગઈ. આગે મકાનમાં રાખેલા અન્ય ફટાકડાને પણ પોતાની ચપેટમાં લઈ લીધા, જેના કારણે એક પછી એક સતત વિસ્ફોટો થવા લાગ્યા.











