America Iran War : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી લડાઈ હવે વધુ ગંભીર અને ખતરનાક તબક્કામાં પ્રવેશી રહી છે. અમેરિકન સેનાએ મંગળવારે પ્રથમ વખત B-1 લાન્સર લોંગ-રેન્જ બોમ્બરનો ઉપયોગ કરીને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC સાથે જોડાયેલા ઠેકાણાઓ પર મોટો હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 12 દિવસ પહેલાં યુદ્ધ ફરી શરૂ થયા બાદ પ્રથમ વખત B-1 લાન્સર બોમ્બરને આ પ્રકારના મિશન માટે મોકલવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે પશ્ચિમ એશિયામાં પહેલેથી જ તંગ બનેલી સ્થિતિ વધુ વણસવાની આશંકા ઊભી થઈ છે.
B-1 બોમ્બરની એન્ટ્રી કેમ મહત્ત્વની?
B-1 લાન્સર અમેરિકન વાયુસેનાનું શક્તિશાળી લોંગ-રેન્જ બોમ્બર છે. તે ઓછી ઊંચાઈએ ઝડપી ઉડાન ભરવાની સાથે ભારે માત્રામાં બોમ્બ અને મિસાઇલો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અહેવાલો મુજબ, આ વિમાને બ્રિટનના એરબેઝ પરથી ઉડાન ભરી હતી.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે, હુમલામાં ઈરાનના સૈન્ય મથકો, ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ, વિમાન હેંગર અને દરિયાઈ સૈન્ય ક્ષમતાથી જોડાયેલા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો હોવાનું જણાવાયું છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક છે. અહીં વધતો તણાવ વૈશ્વિક તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ અસર કરી શકે છે.
ટ્રમ્પની ચેતવણી, ઈરાનનો પણ આક્રમક જવાબ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે વધુ મોટા સૈન્ય અભિયાનના વિકલ્પો પર વિચાર કરી રહ્યા હોવાના અહેવાલો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા ચાલુ રાખશે તો અમેરિકા તેહરાન સહિત ઈરાનના પુલો, પાવર પ્લાન્ટ અને અન્ય મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી શકે છે.
બીજી તરફ, અમેરિકાના હુમલાઓ છતાં ઈરાનના વલણમાં કોઈ નરમાઈ જોવા મળી નથી. ઈરાને પણ અમેરિકાના સાથી ખાડી દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવાની ધમકી આપી છે. બંને દેશોની સામસામેની ચેતવણીઓએ સમગ્ર વિસ્તારમાં યુદ્ધ વધુ ફેલાવાનો ભય વધારી દીધો છે.
રેડ સીમાં પણ ભડકી આગ
ઈરાન-અમેરિકા તણાવની અસર હવે રેડ સીમાં પણ જોવા મળી રહી છે. યમનના હૂથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના બંદરોની નાકાબંધીની જાહેરાત કરી હોવાનું અને સાઉદી જહાજો પર હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
આ ઘટનાને પગલે અનેક કોમર્શિયલ જહાજોએ પોતાના રૂટ બદલવાની શરૂઆત કરી છે. રેડ સી અને હોર્મુઝ સ્ટ્રેટ બંને વિસ્તારોમાં તણાવ વધવાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ, તેલની કિંમતો અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર ગંભીર અસર થવાની શક્યતા છે.
શાંતિના પ્રયાસો ચાલુ, પરંતુ સફળતા દૂર
કતાર અને ઓમાનની મધ્યસ્થતાથી હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને યુદ્ધ રોકવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે, ઈરાને નવો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હોવાના કારણે હજુ સુધી કોઈ નક્કર સમજૂતી થઈ શકી નથી.
પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તે ટૂંક સમયમાં સમજૂતી માટે તૈયાર થઈ શકે છે. પરંતુ હાલની સ્થિતિ જોતાં યુદ્ધ શાંત થવાને બદલે વધુ વિસ્તરવાની ચિંતા વધી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં રેડ એલર્ટ, અમદાવાદમાં જળબંબાકારથી જનજીવન ઠપ

