Cockroach movement Delhi: મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનોને લઈને રાજધાની દિલ્હી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. શનિવાર 10 ઑક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનોને લઈ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. દિલ્હી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે રાજધાની દિલ્હીને અભેદ્ય સુરક્ષા કવચમાં ફેરવી દીધી છે. દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જાહેર મનાઈહુકમનો હવાલો આપીને આ પ્રદર્શન માટે સત્તાવાર પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
દિલ્હીમાં મેટ્રો, રેલમાર્ગ, દુકાનો બધુ બંધ
ભીડની હિલચાલ અટકાવવા માટે દિલ્હી-એનસીઆરમાં રેલવે, મેટ્રો, કેબ, હોટલ બુકિંગથી માંડીને દારૂના વેચાણ પર અભૂતપૂર્વ નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. શનિવાર, 10 ઓક્ટોબરના રોજ સવારે 04:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી નવી દિલ્હી (NDLS) અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશને આવતી-જતી તમામ ટ્રેનો રદ રહેશે. 9 ઓક્ટોબરના રોજ બપોરે 14:00 વાગ્યા પછી ઉપડતી સંબંધિત ટ્રેનોને સોર્સ પરથી જ રદ કરી દેવાઈ છે. પશ્ચિમ બંગાળથી ઉપડતી 12301 હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને 12313 શિયાલદહ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ પણ રદ કરી દેવામાં આવી છે. 10 ઓક્ટોબરના રોજ સંભવિત આંદોલનને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે DMRC ને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાનીના 57 મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી-એક્ઝિટ ગેટ 9 ઓક્ટોબર રાત્રે 9:00 વાગ્યાથી 10 ઓક્ટોબર સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી બંધ રાખવા તેમજ આ સ્ટેશનો પર ટ્રેનોની ફ્રીક્વન્સી ઘટાડવા પ્રસ્તાવ મૂક્યો છે.
20 હજારથી વધુ જવાનોને તૈનાત કરાયા
ગૃહ મંત્રાલયે 8 થી 12 ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસને સહાય માટે CAPFની 221 કંપનીઓ ફાળવી છે, જેમાં અંદાજે 23,000 જવાનો સામેલ છે. સુરક્ષા બંદોબસ્તમાં 5 ઓલ-વુમન પેરામિલીટરી કંપનીઓ પણ સામેલ રહેશે. આ સઘન બંદોબસ્ત માટે સીઆરપીએફની કંપનીઓને જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી ખાસ દિલ્હી બોલાવવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવનારા લોકોને રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં અંદાજે 10 ડિટેન્શન સેન્ટરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. બવાના ખાતે આવેલા રાજીવ ગાંધી સ્ટેડિયમ અને છત્રસાલ સ્ટેડિયમ સહિતની નિર્ધારિત સરકારી સુવિધાઓને અટકાયત કેન્દ્રો તરીકે સજ્જ કરાઈ છે. આ ઉપરાંત નરેલા, પૂર્વ દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં પણ આવા અસ્થાયી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. દિલ્હીના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર પોલીસે હાઈ-એલર્ટ જાહેર કરીને તકેદારી વધારી દીધી છે. બહારના રાજ્યોમાંથી ટોળાંઓને ભેગા કરવાના ઈરાદે પ્રવેશવાનો પ્રયાસ કરનાર શંકાસ્પદ વ્યક્તિઓને સરહદ પર જ અટકાવીને કસ્ટડીમાં લેવામાં આવશે.

સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, ગોપાલ શંકરનારાયણન અને વૃંદા ગ્રોવરે આંદોલનની પરવાનગી ન મળવા પર અને લોકોને સુવિધાઓમાં અવરોધને લઈને સુપ્રીમ કોર્ટમાં અન્ય વકીલોને એકઠા થવા માટે જણાવ્યુ છે. કપિલ સિબ્બલે અવાજ ઉઠાવતા કહ્યુ છે કે મારા દેશમાં આવુ કઈ રીતે શક્ય થાય ? આ એક વિરોધ પ્રદર્શન છે, જેને લઈ બધુ બંધ કરી દેવામાં આવ્યુ છે. તમે ક્યાંય આવ-જા ન કરી શકો. આવુ કઈ રીતે થઈ શકે ? પ્રશાંત ભૂષણે કહ્યુ કે દિલ્હીને બંધ કરી દેવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ કે સવારે આવુ કંઈ નહોતુ. જસ્ટિસ બાગચીએ કહ્યુ કે જો પ્રદર્શનને મંજૂરી આપવામાં નથી આવી તો તે ગેરકાયદે છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કપિલ સિબ્બલે કહ્યુ કે દેશના સામાન્ય નાગરિકને વિરોધ પ્રદર્શન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ગોપાલ શંકરનારાયણે મેટ્રો સ્ટેશન બંધ થવા પર કહ્યુ કે તેની અસર માત્ર પ્રદર્શનકારીઓ સુધી જ મર્યાદિત નહી રહે પરંતુ દિલ્હી-NCR આવતા-જતા તમામ લોકો તેનો ભોગ બનશે. મેટ્રો સ્ટેશન બંધ કરવા પર દિલ્હી-NCR ના કરોડો લોકો અસરગ્રસ્ત થશે.











