Jewar Airport new name :યોગી કેબિનેટે જેવર એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવાનું નક્કી કર્યુ છે. આ માટે કેબિનેટની મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે એરપોર્ટનું નામકરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પરથી કરવાનો નિર્ણય લીધો છે. સ્ટેડિયમ બાદ હવે એરપોર્ટ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે હશે.
યોગી સરકારે નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ માટેની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ નોઈડા-જેવર કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને આ નામકરણ અંગેનો નિર્ણય જાહેર કર્યો છે.
શા માટે લેવાયો નિર્ણય ?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવાના 25 વર્ષ સળંગ પૂર્ણ થવાના પ્રસંગે 7 ઓક્ટોબરના દિવસને ગૌરવશાળી ઈતિહાસ તરીકે નોંધવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સાથે પીએમ મોદીનો આત્મીય સંબંધ રહ્યો છે અને તેમના નેતૃત્વ હેઠળ જ રાજ્યમાં 42 નવા હાઈવે સહિત વિકાસના અભૂતપૂર્વ કામો થયા છે. યોગી કેબિનેટે પીએમ મોદીની રાષ્ટ્રનિષ્ઠા અને સેવા-સમર્પણના સન્માનમાં સર્વાનુમતે આ પ્રસ્તાવ પસાર કર્યો છે.
ચાર તબક્કામાં તૈયાર થઈ રહેલા જેવર એરપોર્ટના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન ચાલુ વર્ષે 28 માર્ચે પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટ પૂર્ણ થતાં જ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. પ્રથમ તબક્કામાં આશરે 3300 એકર જમીન પર રનવે અને ટર્મિનલ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી વાર્ષિક 1.2 કરોડ મુસાફરો મુસાફરી કરી શકશે.










