Sudan civil war drone strike: સુદાનના વિવાદિત અબ્ચેઈ વિસ્તારમાં વ્યસ્ત બજારમાં ભીષણ ડ્રોન હુમલો થયો હતો. આ ડ્રોન હુમલાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ડ્રોન હુમલો બજારમાં આવેલા ઈંધણ ડેપો પર કરવામાં આવ્યો હતો જેના કારણે મોટી હોનારત થઈ હતી.
હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 153 થઈ
સુદાની સેનાને હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવી છે. હુમલામાં અત્યાર સુધી 153 લોકોના મોત થયા છે અને મૃતકોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. હુમલા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.
ડૉક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ સંગઠને જણાવ્યુ હતુ કે ઘાયલોને અમેથ બેક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સુદાનની મેડિકલ ટીમો અને MSF ની ટીમ એકસાથે મળીને કામ કરી રહી છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે કેટલાક ઘાયલોની સ્થિતિ અતિગંભીર છે.
હુમલા માટે સુદાની સેના જવાબદાર
દક્ષિણ સુદાનના વિદેશ મંત્રાલયે પણ હુમલા માટે સુદાનની સેનાને જવાબદાર ઠેરવી છે. મંત્રાલયે કહ્યુ છે કે ગીચ વસ્તી ધરાવતા બજારમાં હુમલો કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય નાગરિકોના મોત થયા છે અને સંપત્તિને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
સુદાનની સેના અને અર્ધ સૈનિક બળ રેપિડ સપોર્ટ સંગઠન વચ્ચે એપ્રિલ 2023થી લડાઈ ચાલી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશની સંપત્તિને મોટુ નુકસાન થયુ છે અને મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.







