અમેરિકાના ઈલોનોઈસ રાજ્યમાં હિન્દુ મંદિરમાં નરસંહારનું ષડયંત્ર રચાયુ હતુ. 19 વર્ષીય શ્વેત કિશોરની અમેરિકન પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી બંદૂક અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા, પરંતુ બંદૂક જામ થઈ જતા મોટો નરસંહાર થતા અટકી ગયો હતો. પોલીસે 19 વર્ષીય એલેકઝેન્ડ્રોસ પાપોરકિસ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસને તેના ઘરમાંથી તપાસ દરમિયાન હિન્દુ વિરોધી સાહિત્ય અને પત્રો મળી આવ્યા છે. જેમાં સ્પષ્ટ થાય છે કે તે ભારતીયો અને લઘુમતીઓને નફરત કરે છે. આરોપી પોતાને નવ-નાઝી કહેતો હતો અને મિત્રોને ભારત વિરુદ્ધ મેસેજ કરતો હતો.
19 વર્ષનો એલેકઝેન્ડ્રોસ પાપોરકિસ નામનો યુવક ભારતીયોને ભારોભાર નફરત કરે છે, તેણે મિત્રોને મેસેજ કરી હિન્દુ મંદિરમાં નરસંહારનું ષડયંત્ર રચ્યાની જાણકારી આપી હતી. મંદિરમાં
બંદૂક જામ થઈ જતા ગોળીઓ છૂટી નહી અને નરસંહાર થતા અટકી ગયો અને એલેકઝેન્ડ્રોસ ત્યાંથી ભાગી છૂટ્યો. મિત્રોએ પોલીસને સાવધાન કરતાં પોલીસે તેને ઘરમાંથી પકડી લીધો હતો. તેની પાસેથી પોલીસને ઓટોમેટિક બંદૂક, કારતુસ સહિતના હથિયારો મળ્યા હતા. ઘરમાં પોલીસને આઠ પાનાનો પત્ર મળ્યો છે. જેમાં તેણે ભારતીયો સહિતના લઘુમતીઓ માટે નફરતભર્યા નિવેદનો કર્યા છે. તેણે લખાણમાં વધુમાં વધુ લઘુમતીઓને ઠાર મારવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો. તેણે હિન્દુઓ ઉપરાંત યહૂદીઓ, આફ્રિકન અને તમામ એશિયન વિરૂદ્ધ નફરત લખી હતી. શ્વેત નાગરિકો સિવાય તમામ લોકો સામે પત્રમાં તેણે ઝેર ઓક્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં રાખ્યો છે. તેના પર ગેરકાયદે હથિયારો રાખવા, હુમલાનું ષડયંત્ર કરવું અને આતંકવાદ ફેલાવવો સહિતના આરોપો લાગ્યા છે.
આ ઘટના અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે હિન્દુઓ સામે અમેરિકામાં નફરત વધી રહી છે એ દુ:ખદ છે. રંગભેદ રાખીને વિદેશીઓને ટાર્ગેટ કરવાનું અમેરિકામાં વધ્યું છે. વિદેશ મંત્રાલયે અમેરિકામાં ભારતીયો પ્રત્યેના વલણને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય સમુદાયને સતર્કતા વર્તવા અને સુરક્ષા માટે સઘન પગલા લેવાનું આહ્વાન કર્યુ છે.







